ભાજપમાં વધુ એક લેટર બોંબઃ અમદાવાદ પૂર્વના સાંસદે પક્ષના ધારાસભ્યને પત્ર લખી શું કહ્યું?

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં વધુ એક લેટર બોંબ સામે આવ્યો છે. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે તેમની પાર્ટીના ધારાસભ્યને પત્ર લખીને તેમના વિસ્તારમાં આવતી વિધાનસભામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું છે. સાંસદે વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખીને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા પત્ર લખ્યો હતો.
શું લખ્યું છે પત્રમાં
સાંસદ હસમુખ પટેલના પત્ર મુજબ, ધામતવાણ ગામના સરપંચ વિરુદ્ધ ગંભીર ફરિયાદો મને મળી છે. તેમાં ગામના 300 રહીશોએ પોતાની સહી કરીને મને વિગતો આપી છે. આ અંગે મેં સક્ષમ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે. ગામ લોકોએ મહિલા સરપંચ અંગે કહ્યું, તેમના પતિ જ સરપંચ તરીકેનો વહીવટ ચલાવે છે.
આપણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં લેટર બોંબ, આ બે દિગ્ગજ નેતા પર લગાવાયા ગંભીર આરોપ
ગામમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાંધકામની રજાચિઠ્ઠી આપવાથી માંડીને કરવેરા અને પંચાયતમાં આવતી ગ્રાન્ટની રકમમાં સરપંચની પતિ સંજય પારેખ ભ્રષ્ટાચાર કરે છે. છેલ્લા કેટલા વર્ષોથી આ પરિવાર જ સરપંચ તરીકે ચૂંટાતો આવ્યો છે.
સંજય સરપંચનો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવા છતાં કરોડોની સંપત્તિ ધરાવે છે. ગામમાં છેલ્લા 15 વર્ષથી એક જ પરિવારના સભ્યો સરપંચપદ ભોગવી રહ્યા છે. કોઈ સામે અવાજ ઉઠાવે તો તેમને ધમકી અપાય છે.
ગ્રાજનનો કહેવા મુજબ, સરપંચનો પતિ ભાજપનો સ્થાનિક નેતા છે. તેની પહોંચ પક્ષના કેટલાક ધારાસભ્યો, સંગઠનના નેતાઓ સહિત ટોચના નેતાઓ સાથે છે અને તેમના ધંધામાં ભાગીદાર છે. આ કારણે તેમની સામે પગલા લેવામાં નથી આવતાં.