અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર

અમદાવાદ: ધાર્મિક ગુરુ આસારામ સામે વર્ષ 2013માં એક સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપ લાગ્યા હતાં, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2018 માં જોધપુર કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામનો એક આશ્રમ અમદવાદના મોટેરા વિસ્તારમાં (Asaram Ashram in Motera) આવેલો છે, જે હજુ પણ સક્રિય છે. આ આશ્રમમાં આસારામના અનુયાયીઓ એકઠા થતા હોય છે. એક અહેવાલ મુજબ આ આશ્રમ તોડી પાડવામાં આવશે. આશ્રમની જમીનનો ઉપયોગ ઓલિમ્પિક્સ ગેમ્સ માટે કરવામાં આવશે.

આપણ વાંચો: આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ

ભારતે ઓલિમ્પિક ગેમ્સ 2036 ની યજમાની માટે બીડ દાખલ કરી છે. સરકાર અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવા ઈચ્છે છે, જેના માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક 2036ના આયોજન માટે મોટેરા પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે, જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટી હશે.

હાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આશરે 650 એકર જમીન પર આ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થશે. આ માટે આ વિસ્તારમાં આવેલા ત્રણ આશ્રમોને હટાવવામાં આવશે, જેમાં આસારામના આશ્રમ પણ સામેલ છે.

અહેવાલ મુજબ સરકાર આસારામના આશ્રમની જમીનનું સંપાદન કર્યા બાદ, તેના પર બુલડોઝર ચલાવી શકે છે. આસારામ આશ્રમની જમીન પર સ્પોર્ટ્સ એન્ક્લેવની ફેસિલિટી બનવવામાં આવશે. આ સાથે, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ નામના બે અન્ય આશ્રમોની જમીનો પણ આ માસ્ટર પ્લાનનો ભાગ છે.

આપણ વાંચો: જેલમાંથી સારવારના બહાને બહાર આવેલા આસારામે કરી આવી હરકત, પોલીસ બની મુકપ્રેક્ષક

અનુયાયીઓ નારાજ:

આસારામના કેટલાક અનુયાયીઓ આ નિર્ણયથી નરાજ થયા છે. કેટલાક અનુયાયીઓ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. એક યુઝરે X પર લખ્યું છે કે આસારામ જેલમાં છે, પણ તમે તેમના આશ્રમને સ્પર્શ કરવાની હિંમત કેવી રીતે કરી? આ અનુયાયીઓની લાગણીઓ સાથે છેડછાડ છે.

બીજી તરફ કેટલાક લોકોએ સરકારના આ પગલાને સમર્થન આપ્યું છે. લોકોએ લખ્યું કે આસારામ એક ગુનેગાર છે અને તેના આશ્રમનો ઉપયોગ હવે ઓલિમ્પિક જેવા મોટા હેતુ માટે કરવામાં આવશે, આ યોગ્ય પગલું છે.

આપણ વાંચો: આસારામ વચગાળાના જામીન મેળવી આશ્રમ પહોંચ્યા, સ્વાગત કરાયું…

સમિતિએ કાર્યવાહી શરુ કરી:

અહેવાલ, હાલમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિએ માસ્ટર પ્લાન અનુસાર વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે મુજબ આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને અન્યત્ર ખસેડવામાં આવશે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી કાયદા મુજબ કાર્યવાહી પૂર્ણ કરશે. સમિતિ નક્કી કરશે કે જમીન માટે વળતર આપવું કે આશ્રમ માટે બીજી જગ્યા આપવી. સદાશિવ પ્રજ્ઞા મંડળે અરજી કરી કે તેમના કેટલાક બાંધકામોને ત્યાં રહેવા દેવામાં આવે. જો આશ્રમ બીજી જમીન પૂરી પાડે, તો માસ્ટર પ્લાનમાં આ ફેરફાર થઇ શકે છે.

સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને ઓલિમ્પિક વિલેજ માટેનો માસ્ટર પ્લાન અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ની મદદથી આર્કીટેક્ચર ફરમ પોપ્યુલસ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પ્રારંભિક અહેવાલમાં 650 એકર જમીન સૂચવવામાં આવી છે, જેમાંથી 600 એકર ભાટ, મોટેરા, કોટેશ્વર અને સુઘડમાં આવે છે અને 50 એકર સાબરમતી રિવરફ્રન્ટ પર છે. માસ્ટર પ્લાનમાં સ્ટેડિયમની નજીક શિવનગર અને વણઝારા વાસ જેવા રહેણાંક વિસ્તારોના સંપાદનનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની આગેવાની હેઠળની સમિતિ મંજૂરી આપવામાં આવ્યા બાદ અમદાવાદ કલેક્ટર ઓફિસને જમીન સંપાદનનું કામ સોંપવામાં આવ્યું છે.

કરાઈ પોલીસ એકેડેમીની જમીનનું પણ સંપાદન થઇ શકે છે, આ જગ્યા પર સરકાર સ્પોર્ટ્સ ફેસિલિટી સ્થાપવાની યોજના બનાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button