અમદાવાદ

અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડવા મુદ્દે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો?

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે.

આ મામલે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરની જમીન પચાવી લેનારા કુલ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના પ્રયાસની તપાસના આદેશ આપ્યા

700 વર્ષ જૂના પૌરાણિક મંદિર પર કબજો

મળતી વિગતો અનુસાર અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બાબુ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આપણ વાંચો: અમદાવાદમાં વકફની જમીન પચાવનારના નિવાસ સહિત 10 સ્થળોએ ઇડીના દરોડા…

હાઇકોર્ટમાં દાવો હજુ પેન્ડિંગ

પોલીસ ફરિયાદ અનુસાર, ત્રિકમજી મંદિરમાં વર્ષ 1966માં ચેરિટી કમિશનર દ્વારા ચાર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1999માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચવામાં આવી હતી, પરંતુ આ જમીન વેચતા પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લેવામાં આવી ન હતી.

આથી ચેરિટી કમિશનર દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. સીટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહે 2011માં હાઇકોર્ટમાં દાવો કર્યો હતો, જે હજુ પેન્ડિંગ છે.

આપણ વાંચો: જમીન પચાવવા બન્યા નકલી સરદાર પટેલ, કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

હાલમાં મંદિરની જમીન પર ગેરકાયદે કબજો

કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ હોવા છતાં આ જમીન બીલાલ અને તેના મળતિયાઓને વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જમીન વેચાણના પુરાવા રૂપે નિઝામુદ્દીન શેખના ખાતામાં પૌત્ર બિલાલ શેખ અને તેના મળતિયાઓ દ્વારા 2.36 કરોડ રૂપિયા જમા કરાવવામાં ન આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાલમાં મંદિરની જગ્યા પર બિલાલ શેખ અને તેમના મળતિયાઓનો ગેરકાયદેસર કબજો છે. ગાયકવાડ હવેલી પોલીસે આ સમગ્ર મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button