અમદાવાદટોપ ન્યૂઝ

લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો, અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભું કર્યું હતું મિનિ બાંગ્લાદેશ

અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવમાં મિનિ બાંગ્લાદેશ ઊભું કરનારો લલ્લા બિહારી ઝડપાયો હતો. અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના આકા લલ્લા બિહારીને રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાનથી તેને અમદાવાદ લાવી રહી છે. બે દિવસ પહેલા તેના પુત્ર ફતેહ મોહંમદની પણ ધરપકડ કરવામાં આવી હતી.

લલ્લા બિહારી લગ્નપ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન ગયો હોવાનું તેના દીકરા ફતેહ મોહંમદે પોલીસને જણાવ્યું હતું. જે બાદ એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. પોલીસને લલ્લા બિહારીના ઘરના સરનામા મળ્યા હતા. તેની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઈમ બ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં રોકડ અને સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 200 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશીઓની તપાસ દરમિયાન કેટલાક પાસે ભારત દેશનાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજ મળ્યા હતા. અમુક પાસે કોઈપણ દસ્તાવેજ મળ્યા નહોતા. જે લોકો પાસે બનાવટી દસ્તાવેજ મળ્યા હતા તેમની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. ગેરકાયદે રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો, તેની સાથે કેટલાક રાજકીય નેતા પણ મદદ પૂરી પાડતા હતા.

ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. બે જાણીતા રાજકારણીના સત્તાવાર લેટરપેડનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવામાં કરવામાં આવ્યો હતો. આ પૈકી એક રાજકારણી મૂળ બિહારનો છે અને હાલ અમદાવાદમાં સ્થાયી થયો છે. તેનો સ્થાનિક સ્તરે દબદબો છે. બીજા નેતો રાજકારણમાં સક્રિય છે. લલ્લુ બિહારી અમદાવાદ આવ્યા બાદ આ બંને નેતાની પણ પૂછપરછ થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો. લલ્લુ બિહારી બાંગ્લાદેશીઓને અહીં આશ્રય આપતો હતો.

કોણ છે લલ્લા બિહારી

બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા લોકો માટે લલ્લા બિહારી મદદગાર હતો. તેની એવી પહોંચ હતી કે, દરેકના ડોક્યુમેંટ બનાવી દેતો હતો. મહમૂદ પઠાણના ઉર્ફે લલ્લા બિહારીના નામથી જાણીતા આ માફિયાએ ચંડોળા તળાવમાં માટી ભરીને સરકારી જમીન પર કબ્જો કર્યો હતો. જે બાદ તેણે તેનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. લલ્લા બિહારી વર્ષો પહેલા ઝાડું બનાવવાની મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો. 1984થી બાંગ્લાદેશી નાગરિકોએ અમદાવાદના ચંડોળા તળાવમાં રહેવાનું શરૂ કર્યું હતું. લલ્લા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓને કામની લાલચે અહીં લાવતો હતો. સવારે તે સાવરણી અને સિલાઈ મશીનની ફેક્ટરીમાં કામ કરાવતો હતો અને રાત્રે દેહવેપાર કરાવતો હતો. અહીં તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી. બાંગ્લાદેશીઓને આશરો આપવા માટે બનાવેલા ઝૂંપડા, દુકાન, પ્લોટમાંથી તે મહિને 8 લાખ રૂપિયા કમાતો હતો.આ ઉપરાંત 2000 લોકો પાસે તે ભીખ મંગાવતો હતો અને રોજના 500 રૂપિયા ઉઘરાવતો હતો. બાંગ્લાદેશથી આવતા લોકોને ક્યાં રાખવા તેની પણ યાદી બનાવી હતી. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પુરુષો કરતાં બાંગ્લાદેશી મહિલાઓની સંખ્યા વધારે હતી.

આ પણ વાંચો…ચંડોળા તળાવ ડિમોલિશન અચાનક કેમ સ્થગિત કરવામાં આવ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button