અમદાવાદટોપ ન્યૂઝ

યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેવી છે સ્થિતિ? જાણો વિગત

અમદાવાદઃ ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ રહી હતી. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ડ્રોન જોવા મળ્યા હતા. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમજ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં બ્લેક આઉટ કરાયો છે. બીજીતરફ ભુજમાં સાયરન વગાડીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી.

રવિવારે સવારથી ગુજરાતમાં આ તમામ જગ્યાએ જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું. લોકો તેમની દૈનિક કામગારીમાં લાગી ગયા હતા. જોકે તેમ છતાં ઘણા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કચ્છમાં પોલીસ દ્વારા જિલ્લાભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં હાઇવે માર્ગો પર તેમજ શહેરના માર્ગો પર પોલીસ તૈનાત કરી દેવાયા છે. વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. યુદ્ધવિરામ પછીના પ્રથમ દિવસથી કચ્છમાં ફરી જનજીવન સામાન્ય બની ગયું છે. રવિવારનો દિવસ હોવાથી બજારમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં કેટલીક જગ્યાએ દુકાન બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સીમાવર્તી કચ્છના ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક, મુંદરા, કંડલા બંદર અને અબડાસા સહિતના સ્થળોએ રોજગારી મેળવવા આવેલા પરપ્રાંતિય નાગરિકોમાં, આ સરહદી વિસ્તાર પર યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને વિસ્ફોટક પદાર્થોથી લેસ ડ્રોન-મિસાઈલ વડે અગિયારથી વધારે વાર હુમલાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યા બાદ ગભરાટ ફેલાતા આ શ્રમિકોએ કચ્છમાંથી પલાયન શરૂ કરી દીધું છે. ભુજના મોડેલ રેલ્વે સ્ટેશન અને બસ પોર્ટ પર છેલ્લા બે-ત્રણ દિવસથી શ્રમિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને પ્લેટફોર્મ કે ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી. લોકડાઉન જેમ તમામ કાર્યસ્થળો બંધ થઇ જતાં બેકાર બનેલા પરપ્રાંતિય શ્રમજીવીઓએ પણ પોતપોતાના બિસ્તરા-પોટલા બાંધી લીધા હતા અને વતનમાં ચિંતિત પરિવાર પાસે જે હાથવગું સાધન મળે તેમાં જવા માટે હેરાન થતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે.બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાં પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે. સરહદી વિસ્તારોમાં પોલીસ સુરક્ષા વધારી છે.

આ પણ વાંચો….પાકિસ્તાન ના સુધર્યું: વળતો જવાબ આપવા ભારતીય સેનાને છુટો દોર અપાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button