
અમદાવાદ: ગુજરાતની જાણીતી સિંગર અને ‘ગરબા ક્વિન’ કિંજલ દવે હાલમાં પોતાની સગાઈને લઈને ભારે વિવાદમાં ઘેરાઈ છે. આ વિવાદને લઈ હવે કિંજલ દવેના પિતા લલીત દવે પણ મેદાનમાં આવ્યા છે. તેમણે ઈન્ટાગ્રામ પર પોસ્ટ મુકીને જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ અન્ય જ્ઞાતિના યુવક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરવાનો નિર્ણય લેતા સામાજિક સ્તરે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને બ્રહ્મ સમાજના અમુક સંગઠનો આ નિર્ણયથી નારાજ થયા છે અને મામલો એટલો બિચક્યો છે કે સિંગરના પરિવારના બહિષ્કાર સુધીની વાતો વહેતી થઈ છે.
આ વિવાદ વચ્ચે કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને વિરોધ કરનારા તત્વોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. કિંજલે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું કે, “જ્યારે વાત મારા પિતાના સ્વાભિમાન પર આવે ત્યારે એક દીકરી તરીકે હું ચૂપ રહી શકું નહીં.” તેણે વધુમાં ઉમેર્યું કે આજના આધુનિક યુગમાં પણ કેટલાક લોકો દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીએ પોતાનો જીવનસાથી કોને બનાવવો? આવા તત્વોને સમાજમાંથી દૂર કરવાની જરૂર છે.
પિતા લલિત દવેએ પણ મૌન તોડ્યું
પુત્રીના સમર્થનમાં અને વિરોધીઓને જવાબ આપવા માટે પિતા લલિત દવેએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક સૂચક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, “અમને કોઈની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ જે લોકો અમારા લાયક નથી તેમણે અમારાથી દૂર રહેવું જોઈએ. અમે અમારી પોતાની દુનિયામાં મસ્ત છીએ અને અમારે કોઈના ‘સર્ટિફિકેટ’ની જરૂર નથી.” આ પોસ્ટ દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની દીકરીના નિર્ણય સાથે મક્કમતાથી ઊભા છે અને સામાજિક દબાણને વશ થશે નહીં.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ સામે રોષ વ્યક્ત કરી દવે પરિવારને જ્ઞાતિ બહાર કરવાનો આદેશ અપાયો હતો. એટલું જ નહીં, સમાજ દ્વારા એવી પણ તાકીદ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ દવે પરિવારને સામાજિક પ્રસંગોમાં આમંત્રિત કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
કિંજલ દવેએ જ્યારે આ સામાજિક ‘ઠેકેદારો’ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર તેને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતની અનેક જાણીતી હસ્તીઓએ પણ કિંજલના સ્ટેન્ડને ટેકો જાહેર કર્યો છે. લોકોનું કહેવું છે કે એક યુવતીને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો પૂરો અધિકાર છે અને જ્ઞાતિના નામે થતો બહિષ્કાર અન્યાયી છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



