
અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને ન્યાત બહાર મૂકવામાં આવ્યા બાદ સતત ચર્ચામાં છે. આ દરમિયાન કિંજલ દવેનો ભૂતપૂર્વ ફિયાન્સ પવન મેદાનમાં આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. તેની આ ઈમોશનલ પોસ્ટ્સે ઘણા લોકોને વિચારવા મજબૂર કર્યા છે.
પવન જોશીએ શું લખ્યું
પવન જોશીએ જણાવ્યું કે તેમને લોકો તરફથી ઘણો પ્રેમ અને મેસેજ મળ્યા છે. તેમની ભાવનાત્મક સ્થિતિ જોઈને ઘણા ચાહકો અને ફોલોઅર્સે તેમનો સંપર્ક કર્યો હતો. ઘણા લોકો તેમની લાગણીઓ સાથે જોડાયેલા અનુભવો શેર કર્યા હતા.
પોતાની ફેસબુક સ્ટોરીમાં પવન જોશીએ લખ્યું, મારા DMs તમારા બધાના પ્રેમ અને સમર્થનથી ભરાયેલા છે. જીવનના દરેક ઉતાર-ચઢાવ દરમિયાન, મારા સારા અને ખરાબ સમયમાં મને સ્નેહભર્યા સંદેશા મોકલનારા દરેકનો હું આભારી છું. આ ઉપરાંત તેણે લખ્યું, જીવન હંમેશાં તેજસ્વી રીતે ચમકતું નથી. ક્યારેક, તે એક અલગ રસ્તો લે છે.

પ્રેમ અને હીલિંગ વિશે વાત
પવન જોશીએ પ્રેમ અને હીલિંગ વિશે નિખાલસતાથી વાત કરી હતી. તેમણે લખ્યું,સાચો પ્રેમ આ દુનિયામાં ખરેખર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેને શોધવા માટે આપણે નસીબદાર હોવા જોઈએ. તેમણે કહ્યું કે આગળ વધવું સહેલું નથી અને ક્યારેક, તમારે તમારા પોતાના દિલને સમજાવવું પડે છે.
અંતમાં તેણે કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું જલ્દીથી આ તબક્કામાંથી બહાર નીકળી જાઉં અને એક નવું જીવન શરૂ કરું. જ્યારે કોઈ પુરુષ પ્રેમમાં જીદ્દી બની જાય છે, ત્યારે તે એક રાજ્ય પણ છોડી દેવા તૈયાર હોય છે. ઉલ્લેખનીય છે કે, પવન જોશી એક અભિનેતા, મોડેલ અને કન્ટેન્ટ ક્રિએટર છે.
શું છે સમગ્ર મામલો ?
ગુજરાતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.
ઔદિચ્ય બ્રહ્મ સમાજના આ નિર્ણય બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.
તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?
કિંજલ દવેને ન્યાત બહાર કરવાના ઔદિચ્ય બ્રહ્મ સમાજના નિર્ણય મુદ્દે મુંબઈ સમાચારે ઘાટકોપરના પાંચ પરગણા બ્રહ્મ સમાજના પ્રમુખ જ્યોતીન્દ્ર દવે સાથે ટૉક શો કર્યો હતો. જેમાં તેમણે બ્રહ્મ સમાજના નિર્ણયને વખોડતા કહ્યું હતું કે, દરેકે આત્મમંથન કરવું જોઈએ. મારી દીકરી પણ જૈન સમાજમાં પરણાવી છે.
આપણ વાંચો: કિંજલ દવેએ જેની સાથે સગાઈ કરી એ ધ્રુવિન શાહ કોણ છે ? જૂનો ફિયાન્સ પવન જોશી શું કરે છે ?



