કિંજલ દવે Vs સમાજ: કિંજલનો વિરોધ કરનારા સમાજના આગેવાનો ‘મક્કમ’, સિંગરે પણ આપ્યો જવાબ…

આંતરજ્ઞાતિય સગાઈ પર ‘બહિષ્કાર’નો નિર્ણય કેટલો વાજબી?
અમદાવાદ: ગુજરાતી સિંગર કિંજલ દવે તાજેતરમાં વિવાદોનું કેન્દ્ર બની છે. થોડા સમય પહેલા તેણે ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજના નહીં હોવાથી અને સગાઈ આંતરજ્ઞાતિય હોવાથી ઔદિચ્ય બ્રહ્મ સમાજે સખત વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ સમાજનો નિર્ણય આશ્ચર્યજનક છે. સમાજના નિર્ણય અંગે આજે સિંગરે એક અંગે વીડિયો મારફત જવાબ આપ્યો હતો. આ મુદ્દે ‘મુંબઈ સમાચાર’ની ટીમે ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ અને આગેવાન સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમના વિરોધ અંગેના કારણો જણાવ્યા હતા. જાણીએ સમગ્ર મામલાને?
અસામાજિક તત્વોએ નિર્ણય લીધો નથી…
કિંજલ દવેની સગાઈના વિવાદ મામલે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂરાલાલ રાજગોરે કહ્યું હતું કે, “દરેક સમાજનું પોતાનું એક બંધારણ હોય છે અને દરેક સમાજની એક મર્યાદા હોય છે. જો સમાજનું ગૌરવ અને જેને અમે સેલિબ્રિટીઝ માનતા હોય તેઓ જ સમાજના બંધારણની ઉપરવટ જશે તો સમાજ વિખેરાઈ જશે. મારા મતે સમાજનો આ નિર્ણય આવકારદાયક છે. એટલું જ નહીં, કિંજલ દવે દ્વારા લગાવવામાં આવેલા ‘અસામાજિક તત્વો’ના આક્ષેપ પર ભૂરાલાલે કહ્યું કે, “આ નિર્ણય કોઈ અસામાજિક તત્વોએ નથી લીધો.
આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નથી, પરંતુ વડીલો દ્વારા સમાજની સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. કિંજલ દવે એક સેલિબ્રિટી છે, અને જો સમાજની જાણીતી વ્યક્તિ જ બંધારણ વિરુદ્ધ કામ કરશે તો સમાજની બીજી દીકરીઓ પણ તેમાંથી શીખ લઈ બંધારણની ઉપરવટ જશે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ મને લાગી રહ્યું છે. મારું એવું પણ માનવું છે કે જો તમે કોઈ સમાજનું ગૌરવ હોવ, તો થોડો ભોગ આપીને પણ બંધારણને વળગી રહેવું જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.”
અમારો નિર્ણય સમાજના હિતમાં લેવાયોઃ સિદ્ધરાજ જોશી
‘મુંબઈ સમાચાર’ની ટીમ સાથે વાત કરતા પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાન સિદ્ધરાજ જોષીએ જણાવ્યું કે, “હું કિંજલ દવેની વાત સાથે સહમત નથી અને તેની વાતોને વખોડું છું. અમે જે કંઈ પણ નિર્ણય લીધો છે તે સમાજના હિતમાં છે. સમાજના સભ્યોએ તેમના ઘરે જઈને કોઈ તોડફોડ કરી નથી, તો પછી તે કઈ રીતે અમને અસામાજિક તત્વો કહી શકે? આ નિર્ણય સમાજનું બંધારણ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે અને તે આવકાર્ય છે. આ પહેલીવાર નથી કે અમે કોઈ પરિવારનો બહિષ્કાર કર્યો હોય, આ અગાઉ પણ આંતરજ્ઞાતિય લગ્ન મામલે અમે બે-ત્રણ પરિવારોનો બહિષ્કાર કર્યો છે.”
સમાજના નિયમો તોડનારા સામે કડક પગલાં?
તેમણે વધુમાં ઉમેર્યું કે, “જે રીતે કિંજલબેનનો નિર્ણય તેમની રીતે સાચો છે, તે જ રીતે સમાજનું બંધારણ ટકાવી રાખવા માટે સમાજનો નિર્ણય પણ સાચો છે. દેશના બંધારણ અને સમાજના બંધારણમાં રાત-દિવસનું અંતર હોય છે. સમાજનું બંધારણ સીમિત હોય છે અને દરેક સમાજના પોતાના નિયમો હોય જ છે. જ્યારે પણ લોકો સમાજના નિયમો તોડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેની સામે કડક પગલાં લેવા જ પડે છે.
આ અગાઉ કિંજલની સગાઈ ‘સાટા પદ્ધતિ’ મુજબ નક્કી થઈ હતી. ભાઈના લગ્ન તૂટ્યા બાદ કિંજલે પોતાના જ સમાજના યુવાન સાથે સગાઈ તોડવાની શું જરૂર હતી? સમાજના રોષનું મુખ્ય કારણ એ જ છે કે સમાજના યુવાન સાથે સગાઈ તોડીને આંતરજ્ઞાતિય સગાઈ કેમ કરી?
કિંજલ દવેએ સમાજના આગેવાનોને આપી ચીમકી
સિંગર કિંજલ દવેએ એક વીડિયો શેર કરી પોતાના લગ્નના થઈ રહેલા વિરોધ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે સમાજની દીકરીઓની પાંખો કાપનારા અને આ રીતે વિરોધ કરનારાઓને અસામાજિક તત્વો કહ્યા હતા. આ સાથે આ રીતે તેમના કે તેમના પરિવાર વિરુદ્ધ હવે પછી ખોટી ટીપ્પણીઓ કરવામા આવશે તો કાનૂની પગલા લેવાની ચીમકી પણ આપી હતી.
જોકે, ‘મુંબઈ સમાચાર’ માને છે કે કોઈ પણ સમાજ પોતાની પરંપરાનું પાલન કરે એ યોગ્ય છે, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કરે તો એ કોઈ ગુનો નથી, તેથી તેના માટે સમાજે પરિવારનો બહિષ્કાર કરવો યોગ્ય નથી. સમાજનો આ નિર્ણય તો આપખૂદશાહી છે. સનાતન પરંપરામાં પણ આવા કઠોર નિર્ણયોને સ્થાન મળ્યું નથી એ વાત હકીકત છે. સિંગર કિંજલ દવેનો મુદ્દો સમગ્ર સમાજ જ નહીં, પરંતુ ગુજરાતની જનતા અને સભ્યસમાજ માટે આત્મમંથન કરવા જેવો છે. આ મુદ્દે તમે શું માનો છો એ પણ જણાવી શકો.
આ પણ વાંચો…કિંજલ દવેને ન્યાત બહાર મૂકવાનો વિવાદ, જાણો કિંજલે શું કહ્યું



