અમદાવાદ

ખ્યાતિ કાંડ: કાર્તિક પટેલ સહિત તમામ આરોપીઓ સામે 18 જુલાઈએ આરોપો ઘડાવવાની શક્યતા

અમદાવાદઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જામીન પર મુક્ત થયેલા રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હાજર રહ્યા હતા. ડો. વજીરાણીને પોલીસનો જાપ્તો નહીં મળતા કોર્ટમાં રજૂ કરી શકાયા નહોતા. કાર્તિક પટેલ અને અન્ય આરોપીના કેસ ક્લબ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે કેસ પેપર રજૂ કર્યા હતા. આ કેસમાં 18 જુલાઈએ આરોપો ઘડાઈ શકે છે.

પોલીસે પહેલા આ કેસમાં ડો.પ્રશાંત વજીરાણી સહિત અન્ય આરોપીઓ ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી, તેથી અલગ અલગ કેસ નંબર પડ્યા હતા. જેને ક્લબ કરવા સરકારી વકીલે કોર્ટને અરજી કરતાં કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે આગામી 18 જુલાઇની મુદત આપી છે, જેમાં આરોપીઓ સામે આરોપો ઘડાવવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો: ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણયઃ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા બે ડૉક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં દર્દીઓને જરૂર નહીં હોવા છતાં ડો.પ્રશાંત વજીરાણીએ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતા આરોપીઓ સામે કુલ 03 દર્દીઓ મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની પાછળનું કારણ પીએમજેએવાયમાંથી પૈસા કમાવવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

શું છે મામલો

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. આ પછી ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. જે બાદ તપાસમાં વેગ આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button