
અમદાવાદઃ કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે. તાલાલા ગીરની કેસર કેરી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. તેની સત્તાવાર સીઝનની શરૂઆત થઈ હતી. ગીર સોમનાથના તાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરી લઈને ખેડૂતો ઉમટ્યા હતા. જેનાથી કેરીના રસિયાઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે આશરે 12 થી 15 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. આ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ખેડૂતો કેરી લઈને આવે છે.
10 કિલોના બોક્સનો કેટલો બોલાયો ભાવ?
તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા મુજબ, કેસર કેરીની સીઝનની સમયસર શરૂઆત થઈ છે. ખેડૂતોની પ્રથમ બેચ કેસર કેરી લઈને યાર્ડમાં આવી હતી. પ્રથમ દિવસે 14,500 બોક્સ વેચાયા હતા. 10 કિલોના બોક્સની કિંમત 600થી 1500 રૂપિયા બોલાઈ હતી. એક બોક્સની સરેરાશ કિંમત 900 રૂપિયા હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે પાકમાં 15 થી 20 ટકા ઘટાડાની શક્યતા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે યાર્ડમાં 30000 બોક્સની આવકની ધારણા સામે 16,000 બોક્સની આવક થઈ હતી. 800થી 1500ની રેન્જમાં બોક્સ વેચાયા હતા. આ ભાવ કેરીની ગુણવત્તા અને માંગ પર આધારિત રહ્યો હતો.
તાલાલા ગીરની કેસર કેરીની શું છે ખાસિયત?
તાલાલા ગીરની કેસર કેરી પોતાની મીઠાશ અને સુગંધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેના કારણે દેશભરના વેપારીઓ અને કેરીના શોખીનો આ માર્કેટની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ પણ વાંચો…કેસર કેરીના વાવેતર-ઉત્પાદનમાં ગીર સિવાય મહુવા, કુંડલા અને બરડાનું પ્રભુત્વ વધ્યું