અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચ્યો, જાણો સમગ્ર મામલો

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે એક મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક ચોરને પકડવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના કર્મચારીઓએ તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી અમદાવાદ સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા, જેથી હાજર લોકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.
મહિલા મુસાફરનો જીવ બચાવ્યો
ગઈ કાલે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 16336 નાગરકોઇલ–ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 50 વર્ષીય રૂબિના બાનો નામની મહિલા (રહેવાસીઃ ગુના, મધ્ય પ્રદેશ) ઉતરતી વખતે અસંતુલિત થઈને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી.
પેટ્રોલિંગ પર રહેલા આરપીએફ કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને જીઆરપી હેડ કૉન્સ્ટેબલ દર્શિતભાઈએ તાત્કાલિક અને સાહસ દર્શાવીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. જો આ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી હોત તો મહિલાને ગંભીર ઇજા થઈ શકતી હતી અને તેની જીવ પણ જોખમમાં પડ્યો હોત.
આરપીએફે મોબાઈલ ચોર ઝડપાયો
આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 03 પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઉપ નિરીક્ષક સોનુકુમાર સૈની, કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને કૉન્સ્ટેબલ મુકેશએ એક શંકાસ્પદ વ્યક્તિને છુપાઈ જવાનો પ્રયાસ કરતાં જોયો હતો, જેથી તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહીં.
તપાસ દરમિયાન તેના પાસે વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 10,000/- જેટલી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે આ મોબાઇલ ફોન કોઈ મુસાફર પાસેથી ચોરાયેલો છે. શંકાસ્પદ વ્યક્તિ ગુનો કરવાની નિયતથી સ્ટેશન પરિસરમાં છુપાયો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો