અમદાવાદ

અમદાવાદમાં યોજાયો 43મો જૈન સમૂહ લગ્નોત્સવ: 9 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

અમદાવાદ: શહેરમાં સામાજિક ઉત્તરદાયિત્વ અને સેવાના સમન્વય સાથે જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 43માં જૈન સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગત 8 ફેબ્રુઆરીના રોજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં આ મંગલ પ્રસંગ સંપન્ન થયો હતો. આ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપ્ત ખોટા ખર્ચાઓ પર લગામ લગાવીને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે.

આ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહી કે નવ યુગલો પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના જાનના આગમનથી લઈને કન્યા વિદાય સુધીની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશભાઈ આર. શાહે જણાવ્યું હતું કે, દરેક યુગલ માટે અલગ ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા કરી જૈન શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા. આર્થિક રીતે મધ્યમ વર્ગના પરિવારોને ટેકો આપવા માટે આ એક સરાહનીય પગલું છે.

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે 900 જેટલા યુગલોના લગ્ન કરાવી ચૂક્યું છે. આ મંગલમય આયોજનમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ પરિવારો જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા અને સમાજમાં પરિવર્તન ઈચ્છતા સુધારાવાદી યુગલો પણ જોડાયા હતા. લગ્ન બાદ યુગલોને સરકારી લગ્ન પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે જરૂરી દસ્તાવેજોની નોંધણીનું આયોજન પણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના ઉદાર દાતાઓ અને શ્રેષ્ઠીઓએ આર્થિક યોગદાન આપ્યું હતું. સંસ્થાના કાર્યકરોની મહેનત અને દાતાઓના સહકારથી આ ભવ્ય આયોજન શક્ય બન્યું હતું. આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને જૈન સમાજના અગ્રણીઓએ ખાસ હાજરી આપી નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. કન્યા પક્ષ અને વર પક્ષના કુલ 40 જેટલા મહેમાનો માટે ફ્રી પાસની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button