અમદાવાદ જગન્નાથ રથયાત્રા: પરંપરાગત રૂટ યથાવત, વિવાદનો અંત

અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ આખરે સમાપ્ત થયો છે.
મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે કે, રથયાત્રા તેના પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આપણ વાંચો: ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરાયો…
મેટ્રોના કામ છતાં રૂટ નહીં બદલાય
અગાઉ, મેટ્રોના કામને કારણે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા માટે મંદિર ટ્રસ્ટને રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે વિવિધ પક્ષો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, હવે આ વિવાદનો અંત આવતા ભક્તો અને નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂટ બદલવા માટે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે.

આપણ વાંચો: અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા
કાલુપુર મેટ્રો રેલની કામગીરી ઝડપી કરવા સૂચના
જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કાલુપુર મેટ્રો રેલની કામગીરી રથયાત્રા પહેલા ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય હેતુ એ છે કે, મેટ્રોની કામગીરીને કારણે રથયાત્રામાં કોઈ અવરોધ ઊભો ન થાય અને દર્શનાર્થીઓ કે નગરજનોને કોઈ તકલીફ ન પડે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રૂટમાં ફેરફાર અંગેના વિવાદનો અંત આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.