અમદાવાદ

ખાનગી એરલાઈન્સના બે કર્મચારી ડીઆરઆઈની રડાર પર, 16 કરોડની સોનાની દાણચોરીની આશંકા…

અમદાવાદઃ અમદાવાદ ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની રડારમાં ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોના બે કર્મચારી આવ્યા છે. આ બન્ને અન્ય એક સાથે મળી સોનાની દાણચોરી કરતા હતા અને લગભગ રૂ. 16 કરોડના સોનાની દાણચોરી થઈ હોવાનું ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ડીઆરઆઈ અનુસાર નેટવર્કે દાણચોરીની કામગીરીનું સંકલન કરવા માટે રેસ્ટ્રો નામના બોટીમ એપ ગ્રુપનો ઉપયોગ કર્યો હતો. આ ચેટિંગ ગ્રુપમાં કથિત રીતે ઇન્ડિગો સુરક્ષા સ્ટાફ – સિનિયર એક્ઝિક્યુટિવ (સુરક્ષા) અલ્તાફ ઉસ્માન અને આસિસ્ટન્ટ મેનેજર (સુરક્ષા) સંદીપ માસ્ત્રો – અને પીએચડીની ડિગ્રી ધારવવાનો દાવો કરતો અમદાવાદનો કાફે માલિક ઇસ્માઇલ કાચેરી કુન્નુમલ કુન્હીપોકરનો સમાવેશ થતો હતો. ઇસ્માઇલ પર આ કામગીરી માટે કેરિયર્સની ભરતી અને સંચાલન કરવાનો આરોપ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

14 નવેમ્બર 2025 ના રોજ ઇન્ડિગો ફ્લાઇટમાં જેદ્દાહથી આવેલા મુસાફર મોહમ્મદ અબ્દુલ નાસિર થોટ્ટાથિલ પાસે છુપાયેલું સોનું હોવાની શંકા અને તપાસ બાદ આ રેકેટ બહાર આવ્યું હતું અને એરપોર્ટની ગ્રીન ચેનલ નજીકથી તેની અટકાયતમાં લેવામાં આવી હતી.

તેના મોબાઇલ ફોનની તપાસમાં જાણવા મળ્યું હતું કે જેહાદી ઝમાન શરીફ નામનો હેન્ડલર પાર્સલના ફોટા અને સીટની વિગતો ગ્રુપમાં પોસ્ટ કરતો હતો, ત્યારબાદ પ્લેન લેન્ડ થાય એટલે આ અધિકારીઓ સોનું મેળવી તેને એરપોર્ટ બહાર મોકલી દેવાની વ્યવસ્થા કરતા હતા.

વિમાન અને એરપોર્ટ પરથી સીસીટીવી ફૂટેજ, ડિજિટલ પુરાવા સાથે ડીઆરઆઈએ ઇસ્માઇલ કુન્નુમલ કુન્હીપોકર, અલ્તાફ ઉસ્માન અને સંદીપ માસ્ત્રોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં તાજેતરમાં રૂ.1.62 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, અને અધિકારીઓ માને છે કે તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધતાં વધુ ધરપકડો થઈ શકે છે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ રૂ. 17 લાખની રોલેક્સ સાથે પેસેન્જર ઝડપાયો: આ રીતે થયો દાણચોરીનો પર્દાફાશ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button