અમદાવાદ એરપોર્ટ પર યાત્રીની આંખમાં આવ્યા આંસુ: ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થતા ઠાલવ્યો બળાપો

અમદાવાદ: ઇન્ડિગોની ફ્લાઇટ રદ્દ થવાનો સિલસિલો આજે પણ યથાવત છે. ચેન્નઈ, લખનઉ, તિરુવનંતપુર, અમદાવાદ સહિતના એરપોર્ટ પર પહોંચેલા યાત્રીઓને કડવો અનુભવ થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી તો કરૂણ દૃશ્યો પણ સામે આવ્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
યાત્રીની આંખમાં આવ્યા આંસુ
અમદાવાદ એરપોર્ટ પર આજે 12 AMથી લઈને 6 AM વચ્ચેની 7 અરાઇવલ ફ્લાઇટ કેન્સલ થઈ છે. ત્યારબાદ પણ ફ્લાઇટ કેન્સલ થવાનો દૌર ચાલી રહ્યો છે. જેથી એરપોર્ટ પહોંચેલા યાત્રીઓ અકળામણ અનુભવી રહ્યા છે. કેટલાક યાત્રીઓ એવા છે, જે હતાશ પણ થઈ ગયા છે.
આજે અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટ રદ્દ થવાના કારણે રડતી યુવતીનો વીડિયો સામે આવ્યો છે. કારણ કે અહીંયા ફરીથી અનેક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. જેથી યાત્રીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. એરપોર્ટ પર લાંબી લાઇન લાગી છે. એરપોર્ટ પર યાત્રીઓનો ધસારો એટલો વધી ગયો છે કે બેસવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ થઈ રહી છે.
આજે બીજી કોઈ ફ્લાઇટ નથી
સવારે 9 વાગ્યાની ફ્લાઇટથી કાકીનાડા જવા માટે આવેલા એક ફોરેનર પેસેન્જરની પણ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે અને તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યની ફ્લાઇટથી હૈદરાબાદ જવા માટે આવેલા એક યાત્રીએ મીડિયાને જણાવ્યું કે, મારી ટિકિટ પર હજુ પણ સમસસર બતાવે છે, પરંતુ આસિસ્ટન્ટ કાઉન્ટરના સ્ટાફે કહ્યું છે કે, તમારી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આજે બીજી કોઈ ફ્લાઇટ નથી.
ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય એરપોર્ટ પર પણ ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટના યાત્રીઓની આવી જ પરિસ્થિતિ છે. કેટલાક એરપોર્ટ પર તો યાત્રીઓની તબીયત પણ લથડી રહી છે. ઇન્ડિગો તરફથી કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું નથી. બીજી કોઈ એરલાઇન્સની ટિકિટ પણ મળી રહી નથી. જેથી યાત્રીઓ પાસે કોઈ બીજો વિકલ્પ બચ્યો નથી.
આ પણ વાંચો…ઈન્ડિગોની ફ્લાઇટો રદ્દ થતા અન્ય એરલાઈન્સ કંપનીઓની ‘વ્હાઇટ કોલર લૂંટ’, ટિકિટના ભાવમાં તોતિંગ વધારો



