અમદાવાદ

CCE 2.0માં વિદ્યાર્થીને CBRT થી મળશે છુટકારો? GSSSBની ભરતી પરીક્ષા ‘ઓફલાઇન’ લેવાય તેવા સંકેત!

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ-A માં કુલ 2365 જગ્યાઓ અને ગ્રુપ-B હેઠળ સૌથી વધુ 3005 જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે. જો કે આ દરમિયાન એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષે CCEની પરીક્ષા ઓનલાઇનને બદલે ઓફલાઇન મોડમાં લેવાય શકે છે.

કેમ CBRT પરીક્ષા બની વિવાદનું કેન્દ્ર?

મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં બિન સચિવાલયથી લઈને આજદિન સુધી અનેક પરીક્ષામાં પેપર લીક થયાના બનાવો બની ચૂક્યા છે. આ દૂષણને ડામવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત વર્ષથી ઓફલાઇન મોડને બદલે ઓનલાઇન કે કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ લેવાની શરૂઆત કરવામાં આવી. જો કે ગત CCEની પરીક્ષામાં જ અંતે મેરિટ યાદીમાં ઘણી વિસંગતતા પેદા થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી અને ઉમેદવારોએ ગાંધીનગરમાં મંડળ સામે બાંયો પણ ચઢાવી હતી. ત્યારે આ વર્ષે હવે પુનઃ CCEની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. ત્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે આ વર્ષે પરીક્ષા ઓનલાઇનન બદલે ઓફલાઇન મોડમાં લેવાય શકે છે.

શા માટે ઉમેદવારો મૂંઝાયા?

અહેવાલો અનુસાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 378/2025-26 (CCE) માં પરીક્ષા પદ્ધતિ તરીકે માત્ર CBRT શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને ઉમેદવારોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ કોઈ ટાઇપિંગ ભૂલ છે? ઉમેદવારો મૂંઝવણમાં છે કે અહીં CBRT નો અર્થ ‘Computer Based Response Test’ થાય છે કે પછી ‘Choice Based Response/Recruitment Test’? અગાઉની પરીક્ષાઓમાં નોર્મલાઈઝેશન પ્રક્રિયાને કારણે થયેલા વિવાદો અને એક કલાકની ઓનલાઈન પરીક્ષામાં જોવા મળેલી અનેક ટેકનિકલ તેમજ ભાષાકીય ભૂલોનો વિવાદ ખડો થયો હતો.

સત્તાવાર સ્પષ્ટતાની રાહ

જો કે આ વર્ષે ઉમેદવારોની માંગ છે કે પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવામાં આવે. આ વખતે પરીક્ષાનો સમયગાળો બે કલાકનો છે, ત્યારે જો પરીક્ષા વધુ શિફ્ટમાં લેવાય તો ટેકનિકલ ખામીઓ અને અન્ય પડકારો વધવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે હવે આ અંગે મંડળ સત્તાવાર સ્પષ્ટતા કરે તેની રાહ જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે , ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ-A માં કુલ 2365 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં સૌથી વધુ કલેક્ટર કચેરીઓ હેઠળ 1600 મહેસૂલી ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ ખાતાના વડાની કચેરીઓમાં 503 સિનિયર ક્લાર્ક, 134 હેડ ક્લાર્ક, 125 સમાજ કલ્યાણ નિરીક્ષક અને 3 કાર્યાલય અધિક્ષકની જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

બીજી તરફ, ગ્રુપ-B હેઠળ સૌથી વધુ 3005 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, ગ્રુપ-A અને ગ્રુપ-B મળીને કુલ 5370 પદો પર પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં OJAS ની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button