અમદાવાદમાં આખરે મેઘ મહેર થઈ: ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ
અમદાવાદ: ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિ,ધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા.
ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડર પાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘ મહેર, શહેરીજનોને આકરા ઉકળાટમાંથી રાહત મળી
બપોરથી શરુ થયેલા વરસાદને પગલે ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
પૂર્વની સાથે સાથે પશ્ચિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા.
અમદાવાદમાં બપોરે એક વાગ્યા સુધી મધ્યઝોનમાં એક ઇંચ અને ઉતરઝોન માં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે શહેરમાં સરેરાશ વરસાદ પોણો ઇંચ નોંધાયો હતો. કુબેરનગર , સરદાર નગર, સૈજપુર ગરનાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો ને ભારે હાલાકી થઈ છે. શાળાઓ છૂટવાના સમયે જ વરસાદ થયો હોવાથી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.