PMના બે ડ્રિમ પ્રોજેક્ટની કામગીરી હેઠળ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બે રૂટ પર લાગાવ્યો પ્રતિબંધ, જાણી લો વૈકલ્પિક રસ્તા

અમદાવાદ: શહેરમાં હાલ બે મહત્વના પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને અતિઆધુક બનાવવા માટે નવીનતમ રેલ્વે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. તો બીજી બાજુ અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોરમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના કામને ગતિ આપવા માટે ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કાલુપુર રેલ્વે સ્ટેશન સામેના રસ્તા અને ગિરધરનગર બ્રિજ પાસેના વિસ્તારોમાં એલિવેટર રોડના નિર્માણ અને ટ્રેક સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના કામગીરી અંતર્ગત શહેરના લોકોને આગામી સમયમાં થતી અસુવિધાને ધ્યાનમાં રાખી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
કાલુપુર રેલ્વે સ્ટેશન સામેના રસ્તા બંધ
અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવી રહેલ છે. આ કામગીરી પેલી મેથી શરુ થયેલ હતી. જે કામગીરી 31 ઓગસ્ટ સુધી ચાલનાર હતી. પરંતુ રથયાત્રાને કારણે આ કામગીરીની મુદ્દતમાં વધારો કરી 30 સપ્ટેમ્બર સુધી ખેંચવામાં આવી છે. આ કામગીરીને સરળ બનાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. લોકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક રૂટ તરીકે રેવડી બજાર, બી.બી.સી. માર્કેટ અને રીડ હોટેલ વણાંક લઈ કાલુપુર ઇનગેટ તરફ જવાની સલાહ આપવામાં આવી છે.
ગિરધરનગર બ્રિજ 23 દિવસ બંધ રહેશે
અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતી થી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત ગીરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી 18 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી કુલ 23 દિવસ સુધી ચાલનાર છે. આ ગાળા દરમિયાન આ વિસ્તારનો ટ્રાફિક પણ નિયંત્રિત રાખવામાં માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન લોકો કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.
આ પણ વાંચો…મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?