અમદાવાદ

IIM અમદાવાદનું કેમ્પસ દુબઈમાં શરુ થશે, જાણો કઈ રીતે મળશે એડમીશન

અમદાવાદ: ભારતની ટોપની બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) હવે દેશની સીમા બહાર પર શિક્ષણ આપશે. IIMA દુબઈમાં કેમ્પસ શરુ કરવા જઈ (IIMA Campus in Dubai) રહ્યું છે, આ કેમ્પસ શરુ કરવા માટે IIMAએ યુનાઇટેડ અરબ અમીરાત (UAE) સરકાર સાથે MoU સાઈન કર્યા છે. આ MoU પર 8 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દુબઈ કેમ્પસ IIMA ની આંતરરાષ્ટ્રીય સફરમાં એક માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.

અહેવાલ મુજબ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ અને ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની હાજરીમાં આ MoU સાઈન કરવામાં આવ્યા હતાં. IIMA ના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના ડિરેક્ટર જનરલ હેલાલ સઈદ અલમારી વચ્ચે આ MoUની આપલે કરવામાં આવી હતી.

આ રીતે મળશે એડમિશન:

હાલ દુબઈ કેમ્પસમાં વર્કિંગ પ્રોફેશનલ્સ અને એન્ટરપ્રેન્યોર્સ માટે એક વર્ષનો ફૂલ ટાઈમ MBA પ્રોગ્રામ શરુ કરવામાં આવશે. આ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2025 માં શરૂ થશે અને પાંચ ટર્મ સુધી ચાલુ રહેશે. GMAT અથવા GRE સ્કોર્સના આધારે IIMA દુબઈના MBA પ્રોગ્રામમાં પ્રવેશ મળી શકશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો: અકસ્માતમાં વળતર મુદ્દે માત્ર શારીરિક અપંગતાના સર્ટિ પર આધાર ન રાખી શકાયઃ હાઈકોર્ટનો ચૂકાદો…

દુબઈમાં કેમ્પસ બે તબક્કામાં શરુ કરવમાં આવશે. પ્રથમ તબક્કામાં, IIMA દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટી (DIAC) ની અંદર UAE સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી ઇમારતમાં કાર્યરત થશે. બીજા તબક્કામાં, એક કાયમી કેમ્પસ બનાવવામાં આવશે, જે 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

IIMAના પદાધિકારીઓએ ખુશી વ્યક્ત કરી:

આ કેમ્પસ વિષે પ્રોફેસર ભાસ્કરે કહ્યું, “દુબઈના ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને નવીન સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કરવાની એક અનોખી તક મળશે. આ નવું કેમ્પસ ફક્ત મધ્ય પૂર્વમાં અમારી ફૂટપ્રિન્ટ્સ વિસ્તૃત કરશે જ નહીં પણ ભારતમાં અમારી શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પણ વધારો કરશે.”

IIMA ના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું, “આ વર્ષે દુબઈ સરકારના સમર્થનથી દુબઈમાં અમારું કેમ્પસ શરૂ કરવા બદલ અમને ખૂબ આનંદ થાય છે. આગામી દાયકામાં, અમે આને એક સમૃદ્ધ સેન્ટર બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં ભવિષ્યના યુવા નેતાઓ તેમની કુશળતાને નિખારશે, ઇનોવેશન લાવશે અને માર્ગદર્શક બનશે.”

દુબઈ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન (DEDC) ના CEO હાદી બદ્રીએ દુબઈમાં IIMAનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું “IIMAનું દુબઈ કેમ્પસ ફક્ત દુબઈમાં જ નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં બિઝનેસ લીડરશીપ સ્કીલને વધુ ઉન્નત બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button