અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ કરી આત્મહત્યા! દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદઃ ગુજરાતમાં આપધાતના કેસ વધી રહ્યાં છે. લોકો નજીવી બાબતે પોતાની જીવનલીલા સંકેલી લેતા હોય છે. આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી! તેમ છતાં લોકો આ રસ્તો પસંદ કરતા હોય છે. અમદાવાદમાં ફરી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નારોલમાં રહેતા એક યુવકે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે આત્મ હત્યા કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં આત્મહત્યાનું કારણે જણાવ્યું હતું. યુવકે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું વીડિયો પ્રમાણે જાણવા મળ્યું છે.
આત્મહત્યા પહેલા મનીષે 20 મિનિટનો વીડિયો બનાવ્યો
મનીષ ગોરડીયા નામના વ્યક્તિએ તેની પત્નીના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે. મનીષે આ સમગ્ર બાબતે પહેલા ઈન્સ્ટાગ્રામમાં 20 મિનિટનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં આત્મહત્યાની સમગ્ર હકીકત જણાવી હતી. વીડિયોમાં મનીષે તેની પત્ની પર ગંભીર આક્ષેપો મુક્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે. એટલું જ નહીં પરંતુ તેના મોત પછી તેના પરિવારજનો તેના અંતિમસંસ્કાર ના કરે તેવી વાત પણ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસ કોની સામે કાર્યવાહી કરે છે તે તપાસ થયા બાદ જાણવા મળશે.
બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી
વીડિયોમાં મનીષે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેના મોત પછી કોઈને સ્ટેટ્સ ના રાખવા, કોઈને કઈ કહેવું નહીં. એટલું જ નહીં પરંતુ તેના મૃતદેહને તેના પરિવારજનો ના અડે એવું પણ કહ્યું હતું. કહ્યું કે, મારા મૃતદેહને કચરામાં ફેંકી દેજો પરંતુ તેને અડવા ના દેતા! 20 મિનિટના વીડિયોમાં મનીષે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. તેના પરિવાર અને પત્નીના કારણે તે માનસિત રીતે હારી ગયો હોવાનું પણ તેણે કહ્યું હતું. મૃતક મનીશને બે દીકરીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. પિતાની આત્મહત્યા બાદ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી
મણીનગર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને મનીષ ગોરડિયાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ સમગ્ર મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર કેસમાં મણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે જે વીડિયો બનાવ્યો હતો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેવું મણીનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…નવી મુંબઈમાં મહિલાએ કરી આત્મહત્યા: લિવ-ઇન પાર્ટનર વિરુદ્ધ ગુનો