અમદાવાદ

ગાંધીના ગુજરાતમાં ‘હું નથુરામ’ નાટક સામે હોબાળો: NSUIએ કર્યો હોબાળો

અમદાવાદ: ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય આલમમાં ફરી એકવાર ‘હું નથુરામ’ નાટકને લઈને ચર્ચાઓ જાગી છે. રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ આ નાટક સામે વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. ખાસ કરીને મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ પ્રકારના નાટકનું મંચન થવા જઈ રહ્યું હોવાથી કોંગ્રેસની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આજે 9 ફેબ્રુઆરીના રોજ સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક ભજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, શો શરૂ થાય તે પહેલા જ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખીને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. કાર્યકરોએ નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક રીતે પ્રદર્શન કર્યું હતું અને ચીમકી આપી હતી કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં.

વિવાદ વચ્ચે પણ આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને લોકો તે ખરીદી રહ્યા છે. બીજી તરફ, યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આ શો રદ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં આ નાટક દરમિયાન હંગામો જોવા મળ્યો હતો, તેવી જ પરિસ્થિતિ આજે અમદાવાદમાં પણ સર્જાય તેવી પૂરી શક્યતા છે. વિરોધ પક્ષના કાર્યકરો નાટક રોકવા માટે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે, જેને પગલે સાંજ સુધીમાં માહોલ વધુ તંગ બની શકે છે.

કોંગ્રેસના આક્રમક વલણને જોતા આયોજકો અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે. સિંધુભવન રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તમાં વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અત્યારે તો સમગ્ર શહેરની નજર આ નાટક ભજવાશે કે વિરોધ સામે ટૂંકું પડશે તે વાત પર ટકેલી છે.

આ નાટકનો કેમ થાય છે વિરોધ?

‘હું નથુરામ’ નાટકનો વિરોધ મુખ્યત્વે તેના વિષયવસ્તુને કારણે કરવામાં આવે છે, કારણ કે આ નાટકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના વિચારો અને તેના કૃત્ય પાછળના તર્કનું રજૂકરણ કરવામાં આવ્યું છે. વિરોધ કરી રહેલા સંગઠનોનું માનવું છે કે આ નાટક દ્વારા હિંસાના માર્ગને યોગ્ય ઠેરવીને ગોડસેનું ‘મહિમામંડન’ કરવામાં આવી રહ્યું છે, જે ગાંધીવાદી વિચારધારા અને અહિંસાના મૂલ્યો ધરાવતી ભારતની ભૂમિ પર અસ્વીકાર્ય છે. ખાસ કરીને ગાંધીજીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થવાથી પ્રદર્શનકારીઓ તેને દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રપિતાનું અપમાન ગણાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button