ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ થયો? માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ થયો? માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 10 વાગ્યે તૈયાર થયેલા સરકારી આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી માત્ર 451.16 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશની માત્ર 51.16 ટકા જ છે. અત્યાર સુધી માત્ર 11 તાલુકાઓમાં જ વરસાદ થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદે વિરામ લીધો છે. અહીં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

છેલ્લાં 24 કલાકમાં માત્ર 0.25 મીમી સરેરાશ વરસાદ નોંધાયો

આજ સુધી રાજ્યમાં સરેરાશ 882 મીમી વરસાદ સામે 451.16 મીમી એટલે કે માત્ર 51.16% વરસાદ નોંધાયો છે. જો વિભાગવાર વાત કરીએ તો કચ્છમાં 58.46% વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 55.22% થયો છે. ઉત્તર ગુજરાતમાં 48.02%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.39% અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 49.36% વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન માત્ર 0.25 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી.

વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં 54.67% પાણી ભરાયું

ગુજરાતમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં 54.67% પાણી છે, જ્યારે રાજ્યના 206 જળાશયોનો સરેરાશ પાણી સંગ્રહ 59.52% છે. પરંતુ ચિંતાની વાત એ છે કે 41 ડેમ હાઈ એલર્ટ પર છે. હાઈ એલર્ટ પર અમરેલીનો ધતરવાડી, ભવનગરના માલન અને શેત્રુંજિ તેમજ કચ્છના કઈલા અને નીરુણા જેવા મહત્વના ડેમ શામેલ છે. આ સાથે 22 ડેમ એલર્ટ પર અને 23 ડેમ વોર્નિગ હેઠળ હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે.

માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી

જામનગરની વાગડીયા અને રણજીતસાગર નદીઓ ઓવરફ્લો થઈ રહી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. રાજ્યમાં SDRF અને NDRFની કુલ 32 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભલે વરસાદ ઓછો છે, પણ ક્યાંક છુટોછવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. વરસાદના કારણે 1 જૂનથી આજ સુધીમાં કુલ 4278 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જેમાંથી સૌથી વધારે ભાવનગર જિલ્લામાં 2308 લોકોનું ત્યાર બાદ પંચમહાલમાં 500, સુરતમાં 283 લોકો, વડોદરામાં 173 લોકો અને સુરેન્દ્રનગરમાંથી 134 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 1લી જૂનથી આજ સુધીમાં કુલ 689 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ, ભાર વરસાદથી 1000 કરોડનું નુકસાન

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button