
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગૈટવિક ખાતે જવા રવાના થયેલું વિમાન બપોરે એક વાગ્યાની આસપાસ ટેક ઓફ વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. રન-વે પરથી ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં વિમાન ક્રેશ થયું હતું. જેથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હતા. આ દુર્ઘટના કેમ સર્જાઈ? આવો તેના વિશે જાણીએ.
વિમાનમાં હોય છે 1 લાખ કિગ્રાથી વધારે ઇંધણ
અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ 787-8 વિમાનને લંડન પહોંચવાનું હતું. 210થી 250 બેઠકની વ્યવસ્થા ધરાવતું આ વિમાન 11 વર્ષ જૂનું હતું. તે એક વાઈડ બોડી, મિડ-સાઈઝ અને લોન્ગ રેન્જ વિમાન હતું. તે 8500 નોટિકલ માઈલનું અંતર કાપી શકે તેમ હતું. તેને 20 ટકા ઓછું ઇંધણ વપરાશ કરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં
આ વિમાનની મહત્તમ ઈંધણ સંગ્રહ ક્ષમતા 1,00,000 કિગ્રાથી વધારે હોય છે. ટેક ઓફના સમયે ઈંધણની ટાંકી સંપૂર્ણ ભરી દેવામાં આવે છે. અમદાવાદથી લંડન સુધીની લાંબી યાત્રાના કારણે જરૂરિયાત મુજબ તેમાં ઈંધણ ભરવામાં આવ્યું હશે. જોકે ઇંધણથી ભરેલી કોઈ પણ વસ્તુમાં અક્સમાતના કારણે આગ લાગવાની સંભાવના રહેલી હોય છે. અમદાવાદથી ટેક ઓફ થયેલા વિમાન સાથે પણ આવું જ થયું.
હોસ્ટેલમાં પણ હતા ગેસ સિલિન્ડર
મેઘાણી નગર વિસ્તારની અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું હતું. જેથી ઇંધણથી ભરેલું વિમાન અગનગોળા સમાન બની ગયું હતું. હોસ્ટેલની મેસમાં પણ ગેસના સિલિન્ડર હતા. જેથી આગ વધુ પ્રચંડ વેગ સાથે વિસ્તરી હતી. આમ, મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વિમાનના મુસાફરો તથા હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને જીવ ગુમાવવાની નોબત આવી હતી.