અમદાવાદ

રાષ્ટ્રીય મતદાતા દિવસ: ઉત્તમ કામગીરી કરનારા ચૂંટણી તંત્રના અધિકારીઓનું સન્માન

અમદાવાદઃ દરવર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આગામી 25 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.

ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન
આ ઉજવણીમાં ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવશે. યુથ વોટર ફેસ્ટિવલ-2024ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત 15મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર સ્યોરની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્ય અધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે 11 કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ, ફેસબુક પેજ સીઈઓ ગુજરાત તથા યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button