અમદાવાદ

હોન્ડાનો વિઠલાપુર પ્લાન્ટ ૧૮૦૦ નવી રોજગારીનું સર્જન કરશે

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિદ્ધિના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હોન્ડા કંપની દ્વારા મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસને સીબી-૩૫૦ મોડલની ૫૦ ક્યૂઆરટી મોટરસાઇકલ પણ અર્પણ કરવામાં આવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હોન્ડા મોટરસાયકલ કંપનીએ પણ વિશ્વમાં ૫૦ કરોડ અને ભારતમાં ૭ કરોડ ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની સિદ્ધિ મેળવી છે એ ગૌરવપૂર્ણ ઘટના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું એ પછી રાજ્યમાં તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ઇકોસિસ્ટમ વિકાસાવી છે. એક સમયે આ વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ સંભાવના નહોતી, એવો આ માંડલ-બેચરાજી-વિઠલાપુરનો વિસ્તાર આજે ઓટોમોબાઈલ હબ બન્યો છે.

હોન્ડા કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ ત્સુત્સુમુ ઓતાનીએ વિઠલાપુર ખાતેના હોન્ડા મોટરસાઇકલના પ્લાન્ટની ચોથી પ્રોડક્શન લાઇનના પ્રારંભની જાહેરાત કરતાં કહ્યું કે ૬.૫૦ લાખ યુનિટની ઉત્પાદનક્ષમતા ધરાવતી આ નવી પ્રોડક્શનલાઇન વર્ષ-૨૦૨૭ સુધીમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે. પરિણામે, વિઠલાપુર પ્લાન્ટની કુલ ક્ષમતા ૨૬.૧૦ લાખ યુનિટની થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી વધુ ઉત્પાદન કરતો પ્લાન્ટ બની જશે. એટલું જ નહીં, આનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. તેમણે એમ પણ કહ્યું કે સંસ્થા કાર્બન ન્યૂટ્રાલિટી વધારવા પર અને અકસ્માતની સંખ્યા ઘટાડવાની તકનીકો પર પણ કંપની કામ કરી રહી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ આપેલા ‘મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ સૂત્ર દ્વારા ભારતે આજે ગ્લોબલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી બનાવી છે. માંડલ-બેચરાજી-વિઠલાપુરના ઓટો હબના ઉદ્યોગોએ સૂત્રને સાકાર કરે છે. મુખ્યપ્રધાને કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-જીડીપીની સાથે જીઈપી-ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ આધારિત વિકાસ જરૂરી છે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડકટર અને ગ્રીન હાઇડ્રોજન સહિત ઈ-મોબિલિટી જેવા ઉભરતા ક્ષેત્રોનું હબ બની રહ્યું છે. આના કારણે રોજગાર સર્જન અને અન્ય નાના-મોટા ઉદ્યોગોના વિકાસથી GEPની નેમ પાર પડશે.

આ પણ વાંચો…ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના એડિશન પ્રિન્સિપાલ સેક્રેટરીને ઓળખો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button