ગુજરાત સરકારનો નિર્ણય; ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપાઈ
અમદાવાદઃ ગુજરાત સરકારે ફોજદારી કેસોની કાર્યવાહી સંબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગ દ્વારા થતું હતું પરંતુ હવે આ જવાબદારી ગૃહ વિભાગને સોંપી દેવામાં આવી છે. સરકારી વકીલોની નિમણૂક, રેકોર્ડ, રજિસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે.
અદાલતોમાં વકીલની સેવાઓનું નિયમન ગૃહ વિભાગ કરશે
આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે એટલે કે ગૃહ વિભાગ જે મુખ્યત્વે પોલીસ સેવાનું સંચાલન કરે છે તે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાનું પણ સંચાલન કરશે. તેવી જ રીતે બી-શાખા જે ફોજદારી કેસોમાં ચુકાદાઓ સામે દાખલ કરાયેલી અપીલોનું ઘ્યાન રાખે છે તે પણ ટ્રાન્સફર થશે.
આપણ વાંચો: ગુજરાત સરકારે 32 નગરપાલિકામાં Solar Plant સ્થાપવા 45.37 કરોડ મંજૂર કર્યા
એક ઠરાવમાં કાયદા વિભાગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે કાયદા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ જે અત્યાર સુધી ફોજદારી કેસોની દેખરેખ રાખતી હતી તેને ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ઘ્યાન રાખતી બી-1 શાખા તેને ફાળવવામાં આવેલા વિષયો ગૃહ વિભાગને સોંપશે.