HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું

અમદાવાદઃ એચએમપીવી વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ વાયરસ બાળકો અને વૃદ્ધોને સૌથી પહેલા ઝપેટમાં લઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની શાળામાં શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સ્કૂલોમાં પણ ન આવવા તાકીદ કરવામાં આવી હતી. રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં સ્કૂલ દ્વારા શરદી, ખાંસી કે તાવના કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજાના થાય ત્યાં સુધી ઘરે રાખવા જ સૂચના આપવામાં આવી હતી.
સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને સ્કૂલમાં શરદી, ખાંસી જેવા લક્ષણ દેખાય તો તે બાળકને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી સ્કૂલે ન આવવા જણાવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: મુંબઈમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધીને 3 થઈ
અમદાવાદમાં એચએમપીવીનો એક કેસ સામે આવ્યા બાદ શાળા સંચાલકોમાં અને વાલીઓમાં ચિંતા વ્યાપી હતી. આ વાયરસ બાળકોને સૌથી વધુ અસર કરતો હોવાથી સ્કૂલ સંચાલકો અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયા છે.
જો કે આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં શાળાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી અપેક્ષા છે. વાયરસની સ્થિતીને જોતાં સુરક્ષાના ધોરણોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા શિક્ષણ વિભાગ આ નિર્દેશો જિલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલે તેવી શક્યતા છે.
આ વાયરસ માટે કોઇ રસી ઉપલબ્ધ નથી
આ વાયરસને ફેલાટો અટકાવવા કોરોના જેવી જ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. હાલમાં,એચએમપીવી સામે રક્ષણ આપવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સિવાય એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગથી તેના પર કોઈ અસર થતી નથી. આ વાયરસથી પીડિત લોકોને લક્ષણોને હળવા કરવા માટે કેટલીક દવાઓ આપી શકાય છે. જો કે, વાયરસને દૂર કરવા માટે હજી સુધી કોઈ સારવાર ઉપલબ્ધ નથી.