ભારતમાં લગ્ન બાદ વિદેશની કોર્ટમાં છૂટાછેડા માન્ય ગણાય? ગુજરાત હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો | મુંબઈ સમાચાર
અમદાવાદ

ભારતમાં લગ્ન બાદ વિદેશની કોર્ટમાં છૂટાછેડા માન્ય ગણાય? ગુજરાત હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો

અમદાવાદ: ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ (HMA) હેઠળ લગ્ન થયા બાદ વિદેશની કોર્ટના છુટાછેડા આદેશથી લગ્ન સમાપ્ત થાય ખરા? ગુજરાત હાઈકોર્ટે આ અંગે તાજેતરમાં એક મહત્વ ચુકાદો પાયો હતો. કોર્ટે કહ્યું કે વિદેશની કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશથી HMA હેઠળ ભારતમાં થયેલા લગ્ન સમાપ્ત થતા નથી.

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ એ.વાય. કોગજે અને એન.એસ. સંજય ગૌડાની બેન્ચે કહ્યું કે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળના અધિકારો અને ઉપાયો (Rights and remedies)માં વ્યક્તિના નાગરિકતા અથવા નિવાસસ્થાનમાં ફેરફારથી ફરક પડતો નથી, અને આવા લગ્નો પર નિર્ણય લેવાનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય અદાલતોનો છે.

શું છે મામલો?
મામલાની જાણકરી મુજબ યુગલે જુલાઈ 2008 માં અમદાવાદમાં લગ્ન કર્યા, ત્યાર બાદ પતિ અને પત્ની બંને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતાં. થોડા સમય બાદ પતિને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મળી ગઈ. વર્ષ 2013માં યુગલના પહેલા બાળકનો જન્મ થયો.

વર્ષ 2014માં બંને વચ્ચે કોઈ કારણોસર મતભેદો ઉભા થયા અને પતિ ભારત પરત ફર્યો, જ્યારે પત્ની નાગરિકતા મેળવવા માટે ઓસ્ટ્રેલિયામાં રહી, તેને પણ 2015 માં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મળી ગઈ. થોડા વર્ષો બાદ પત્ની પણ પુત્ર સાથે ભારત પરત ફરી. પતિ અને પત્નીને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયન કોર્ટે છૂટાછેડા મંજુર કર્યા:
માર્ચ 2016માં પતિએ ઓસ્ટ્રેલિયાની ફેડરલ સર્કિટ કોર્ટમાં ડિવોર્સ માટે અને બાળકો કસ્ટડી માટે અરજી દાખલ કરી. ઓસ્ટ્રેલિયન કોર્ટે નવેમ્બર 2016 માં ડિવોર્સ મંજૂર કર્યા. જ્યારે પત્નીએ કોર્ટના ઓર્ડર સામે રીવ્યુ પીટીશન દાખલ કરી, જેને ફગાવી દેવામાં આવી.

પત્નીએ છૂટાછેડા સામે ભારતની કોર્ટમાં પણ અરજી કરી હતી. સામે પતિએ દાવો કર્યો કે પત્નીનો દાવો માન્ય નથી. માર્ચ 2023 માં, ફેમિલી કોર્ટે પત્નીના દાવાઓને ફગાવી દીધા. ત્યાર બાદ પત્નીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી. ગુજરાત હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો. હાઈ કોર્ટે પત્નીની અપીલોને મંજૂરી આપી અને ફેમિલી કોર્ટને મેરિટના આધારે આ મામલા પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે ચુકદામાં કહ્યું કે ફેમિલી કોર્ટનો તર્ક મૂળભૂત રીતે ખોટો છે કારણ કે પત્નીએ ઓસ્ટ્રેલિયન કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે પતિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો તેનો કોઈ અધિકારક્ષેત્ર નથી અને ઓસ્ટ્રેલિયન કોર્ટે આ વાંધો ફગાવી દીધો હતો અને છૂટાછેડા મંજૂર કર્યા હતા. હકીકતે ઓસ્ટ્રેલિયન કોર્ટ પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી કારણ કે યુગલે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ લગ્ન કર્યા હતા, તેથી તેમના લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય HMA હેઠળ નક્કી કરવામાં આવશે, વિદેશી કાયદા હેઠળ નહીં.

હાઈ કોર્ટે વધુમાં કહ્યું કે ફેમિલી કોર્ટે ઓસ્ટ્રેલિયન કોર્ટના છૂટાછેડાના ચુકાદાને યાંત્રિક રીતે માન્ય અને નિર્ણાયક ઠેરવ્યો હતો, જેના કારણે પત્ની માટે ફેમિલી કોર્ટમાં જવા માટે કોઈ કારણ બાકી ન રહ્યું. હાઈ કોર્ટે પત્નીની અપીલોને મંજૂરી આપી.

આપણ વાંચો:  શિક્ષક દિને ગુરૂજનોનો ઋણ સ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્ય પ્રધાને ફાળો અર્પણ કર્યો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button