હાઈકોર્ટે સરકાર સહિત AMCની કાઢી ઝાટકણી, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની આપી ચેતવણી | મુંબઈ સમાચાર
અમદાવાદ

હાઈકોર્ટે સરકાર સહિત AMCની કાઢી ઝાટકણી, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની આપી ચેતવણી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, ખરાબ રસ્તાઓ અને ગેરકાયદે પાર્કિંગના મુદ્દે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને ઝાટક્યા હતા. કોર્ટના વારંવારના આદેશોનું પાલન ન થતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનવણી 15 જુલાઈના હાથ ધરવામાં આવી હતી.

કોર્ટે રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાઓના મુદ્દે દાખલ કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને AMCની નિષ્ક્રિયતા પર ગુસ્સો વ્યક્ત કર્યો. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, “હવે બસ, ઉદારતા નહીં. અમે બેજવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમ કરીશું.” આ સુનવણી દરમિયાન સરકાર અને AMC દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ કોર્ટે ફગાવી હતી, જ્યારે આગામી સુનાવણી ગુરુવાર, 17 જુલાઈના રોજ કરવામા આવશે.

અગાઉની સુનાવણીઓમાં હાઇકોર્ટે સરકારને ગેરકાયદે પાર્કિંગ, રોંગ-સાઇડ ડ્રાઇવિંગ અને રખડતા ઢોર જેવી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા આદેશ આપ્યા હતા. કોર્ટે નાગરિકોની સુરક્ષા માટે સખત પગલાં લેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા જણાવ્યું હતું. જોકે, સરકાર અને AMCએ આદેશોનું પાલન ન કર્યું, જેના કારણે રસ્તાઓની બિસ્માર હાલત, ટ્રાફિક અવ્યવસ્થા અને ગેરકાયદે દબાણો યથાવત્ રહ્યાં છે.

હાઇકોર્ટનું મક્કમ વલણ

કોર્ટે અખબારી અહેવાલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રોંગ-સાઇડ ડ્રાઇવિંગમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે, જે સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે. કોર્ટે ચેતવણી આપી કે જો સરકાર અને AMC સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે, તો કડક કાર્યવાહી અનિવાર્ય છે. સરકારે વધુ સમય માગ્યો, પરંતુ કોર્ટે લાંબી મુદત આપવાનો ઇન્કાર કર્યો અને ગુરુવારે ચાર્જફ્રેમની કાર્યવાહી માટે તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં ચેક રિટર્નના કેસનો નિકાલ ઝડપથી થશે; હાઇકોર્ટે ચાર નવી કોર્ટ શરુ કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button