
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવને પગલે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટ માટે નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. આ નોટિસના પગલે હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત હવાઈ હુમલાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભારતીય દળોએ અત્યાર સુધી પાકિસ્તાનના તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.
આપણ વાંચો: ભારતે 8000 એક્સ અકાઉન્ટ બ્લોક કર્યા, મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા સુચના
ગુજરાતના સાત એરપોર્ટ ફ્લાઇટ માટે બંધ
ભારત સરકાર દ્વારા દેશના કુલ 24 એરપોર્ટ માટે એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
એરમેનને નોટિસ આપવાનો અર્થ એ છે કે આ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.
આપણ વાંચો: પાકિસ્તાનની AWACS સિસ્ટમ નષ્ટ; ભારતના એરપોર્ટ પર સિક્યોરિટી વધશે
4 જિલ્લાઓમાં 75 એમ્બ્યુલન્સ વાન મોકલાઈ
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતમાં સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના વધુ 18 જિલ્લાઓને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે કચ્છ અને બનાસકાંઠામાં સંપૂર્ણ બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય ગૃહ પ્રધાન સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. પાકિસ્તાન હુમલાને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ 4 જિલ્લાઓમાં 75 એમ્બ્યુલન્સ વાન મોકલવામાં આવી છે.
સુરતમાં હાઈ એલર્ટ જાહેર
તે ઉપરાંત ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં આવેલા મુખ્ય ઔદ્યોગિક એકમો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે.
શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સંપૂર્ણ તકેદારી રાખી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
દેશમાં વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
જેમાં હર્ષ સંઘવીએ બેઠકની શરૂઆતમાં જ સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા અને પાટણના કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થાનિક પરિસ્થિતિની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
લોકોમાં ગભરાટનું વાતાવરણ ન ફેલાય અને વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. તેમણે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સતત પેટ્રોલિંગ કરવા પર ભાર મૂક્યો હતો.