
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે સાંજથી જ અમદાવાદ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 28 જુલાઈના પણ સવારે 10 વાગ્ય સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરતના ત્રણ કલાક માટે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે રવિવારે 27 જુલાઈના રોજ 193 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા પ્રમાણે 27 તારીખ 6 વાગ્યથી 28 તારીખ 6 વાગ્ય સુધીમાં 193 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. નડિયાદમાં 24 કલાકમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડાના મેમદાબાદમાં 9.37, માતરમાં 8 ઈંચ, મહુઘામાં 7 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કથલાલમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજી બાજુ મુંબઈ શહેરમાં 6.80 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં પૂર્વીય ઉપનગરોમાં 11.53 મીમી વરસાદ જ્યારે પશ્ચિમી વિસ્તારમાં 7.42મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યથી 8 વાગ્ય સુધીમાં 87 તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.
મુંબઈમાં હવામાન વિભાગની આગાહી
હાલ મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી ચાર દિવસ સુધી સતત ભારે વરસાદની પણ સંભાવના સેવાય રહી છે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, જામનગર, જૂનાગઢ, તાપી, ડાંગ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મુશળધાર વરસાદ,પાલનપુર અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ