
અમદાવાદ: રાજ્યમાં ફરીથી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ થવાની હોય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ 2025 માટે રાજયના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કુલ 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ નોંધયો છે. જ્યારે હવે ફરી 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, તાપી, નવસારી, દમણ-દાદરા અને નગર હવેલી, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. લોકો તેમજ સ્થાનિક તંત્રને સાબધ રહેવા અપીલ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રહેતા લોકોને ખાસ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ કેવી છે?
કચ્છ, સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શાંત રહેશે અને અહીં કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં નદી, નાળાં કે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં માછીમારોને દરિયા ના ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આજે 13 જિલ્લાઓમાં વરસાદ જોરદાર બેટિંગ કરી શકે છે. ગુજરાતમાં અત્યારે આ સિઝનની જરૂરિયાત પ્રમાણે શરૂઆતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ સારા એવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો….ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 67 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી