
અમદાવાદ, મુંબઈઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ પધરામણી થઈ ગઈ છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં આશા કરતા વધારે વરસાદ નોંધાયો છે. આગામી 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે ચોમાસુ વિવિધવ રીતે બેસી ગયું છે. એટલે સર્વત્ર વરસાદ થશે તેવી આગાહીઓ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે 12.87 ટકા વરસાદ નોંધાયો
વરસાદની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 12.87 ટકા વરસાદ થયા છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો પડ્યો છે. અત્યાર સુધીમાં 122 તાલુકાઓમાં 51 મીમીથી 152 મીમી સુધીનો વરસાદ પડ્યો છે. વિસ્તાર પ્રમાણે આંકડા જોવામાં આવે તો, કચ્છમાં સરેરાશ 17.55 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 8.15 ટકા, પૂર્વ મધ્યમાં સરેરાશ 12.60 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સરેરાશ 20.12 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 8.99 ટકા સાથે ગુજરાતમાં સરેરાશ 12.87 ટકા વરસાદ નોંધાયો છે.
પાલઘર, નાસિક અને પુણેના ઘાટ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા પાલઘર, નાસિક અને પુણેના ઘાટ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. થાણે, રાયગઢ, મુંબઈ, રત્નાગિરિ અને સતારા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાયગઢમાં અંબા અને કુંડલિકા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, રત્નાગિરિમાં જગબુડી નદી પણ પૂરની સ્થિતિમાં છે. રાયગઢમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મુંબઈમાં 24 કલાકમાં 142.6 મીમી વરસાદ નોંધાયો છે. રત્નાગિરિના કુચામ્બે ગામમાં ભૂસ્ખલન થયું હોવાથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી
ગુજરાતની વધારે વિગતે વાત કરાવમાં આવે તો, આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 22, 23, 24 અને 25 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…વડોદરામાં પૂર સામે લડવા 200 તરવૈયાઓની ‘ફોજ’ તૈયાર, VMCનું આગોતરું આયોજન