ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ગુજરાતના હવામાન વિભાગે આજે (6 સપ્ટેમ્બર, 2025) રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. વેલમાર્ક લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. આગાહી અનુસાર, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે.
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા અનુસાર, 5 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી 6 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 198 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે સુરતના બારડોલીમાં 5.5 ઈંચ, તાપીના વાલોદમાં 5 ઈંચ અને મહીસાગરના લુણાવાડામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો. આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, અને તંત્ર દ્વારા સતર્કતા જાળવવામાં આવી રહી છે.
આજે રાજ્યના પાંચ જિલ્લા – બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેનો અર્થ છે કે શહેરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નકશા આધારિત જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર માટે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દિવસે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદી સિસ્ટમ રાજ્યની નજીક રચાયેલી હોવાથી વરસાદનું જોર ચાલુ રહેવાની શક્યતા છે. 7 સપ્ટેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની આગાહી છે, પરંતુ યલો એલર્ટ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવના છે.
ભારે વરસાદની સાથે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. 9 સપ્ટેમ્બર સુધી દરિયો તોફાની રહેવાની શક્યતા છે, જેમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને ઝાટકાનો પવન 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે. આને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર પણ ચેતવણી જાહેર કરાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટળે.
આ પણ વાંચો…દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ, ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી