અમદાવાદ

સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત જળબંબાકારઃ ઈડરમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં 12 કલાકમાં 181 તાલુકામાં મુશળધાર વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજ્યમાં અલગ સિસ્ટમ સક્રિય થઈ છે. અગાઉ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો જળબંબાકાર બન્યા છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે, જેમાં નદી-નાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળવાને કારણે જનજીવન પર ગંભીર અસર થઈ છે. આ ઉપરાંત, હાઈ-વેની આસપાસ પાણી ભરાઈ જવાને કારણે અમદાવાદ-પાલનપુર હાઈ-વે પર ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.

આપણ વાંચો: આજે 18 જિલ્લામાં ઓરેન્જ અને 15 જિલ્લામાં યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ઈડરમાં સૌથી વધુ વરસાદ

વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 5.51 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ઈડરની કડિયાદરા સોસાયટીમાં ગરનાળાની ખામીને કારણે પાણી ભરાયાં હતા. સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી.

પાલનપુર થયું પાણી-પાણી

બનાસકાંઠાના પાલનપુરનો નેશનલ હાઈવે જળમગ્ન બન્યો હતો. પાલનપુરના મફતપુરામાં ઘરોમાં પાણી ઘૂસવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. સાથોસાથ વેડંચા-બાવિસણાનો મજબૂત કોઝવે એક વર્ષમાં ત્રીજીવાર તૂટ્યો હતો. આ ઉપરાંત પાલનપુર શહેરમાં મામલતદાર કચેરી પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાં પણ પાણી ભરાયાં હતા. જેથી જનજીવન ખોરવાયું હતું.

આપણ વાંચો: આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગે કેવી આગાહી કરી?

181 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં સવારે છ વાગ્યાથી સાંજના 6 સુધીના 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઈડરમાં સૌથી વધુ 5.51 ઈંચ વરસાદ પડ્યો હતો. ધાનેરામાં 4.57 ઈંચ, જામકંડોરણામાં 4.33 ઈંચ, જોડિયામાં 3.98 ઈંચ, લાલપુરમાં 3.39 ઈંચ, ચુડામાં 3.31 ઈંચ, ધોરાજીમાં 3.27 ઈંચ, દાંતીવાડામાં 3.19 ઈંચ, વડગામમાં પણ 3.19 ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં ત્રણ તાલુકામાં ચાર ઈંચથી વધારે, સાત તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, 14 તાલુકામાં બે ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. 26 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 130 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

આપણ વાંચો: 4 કલાકમાં પોણા છ ઇંચ વરસાદથી ‘ડાયમંડ સિટી’ પાણી પાણી; હવામાન વિભાગનું 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોસમનો સરેરાશ 36.54 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અત્યાર સુધીમાં કચ્છમાં 32.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 29.87 ટકા, પૂર્વ મધ્યમાં 38.18 ટકા, સૌરાષ્ટ્રમાં 35.66 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 39.89 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button