ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. બુધવારે રાત્રે અમદાવાદ સહિત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
રાજ્યના ઈમરજન્સી સેન્ટરના આંકડા અનુસાર, 3 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી 4 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યા સુધી 158 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નંદોદમાં 4 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.6 ઈંચ, ભરૂચના જગડીયામાં 3.1 ઈંચ અને મહિસાગરના બાલાસિનોરમાં લગભગ 2.75 ઈંચ વરસાદ નોંધાયો. અમદાવાદ શહેરમાં બુધવારે રાત્રે અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી છે, અને વહીવટી તંત્ર રાહત કાર્યોમાં લાગેલું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક વેલ માર્ક લો પ્રેશર સર્જાયું છે, જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. આ હવામાન સિસ્ટમ આગામી કલાકોમાં ઉત્તર ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ તરફ આગળ વધે તેવી શક્યતા છે. મોન્સૂન ટ્રફ બિકાનેરથી શરૂ થઈને ઓડિશા અને બંગાળની ખાડી સુધી પહોંચી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ છે.
આજે, 4 સપ્ટેમ્બરે, બે જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 5 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. 6 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે 7 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટ અને રાહત ટીમો સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. ખેડૂતોને પણ તેમના પાક અને પશુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે.
આ પણ વાંચો….નર્મદા ડેમ છલકાવાથી 3.3 મીટર દૂર, રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ…