અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં હીટવેવ, કંડલા 45 ડિગ્રીએ ધખધખ્યું, ભુજમાં 44 ડિગ્રી…

અમદાવાદઃ ગુજરાતમાં આમ તો પંદરેક દિવસથી સખત ગરમી અને તાપ પડી રહ્યો છે, પરંતુ હજુ વધારે ગરમી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. કચ્છ જાણે અગનભઠ્ઠીમાં શેકાતું હોય તેવો માહોલ છે. હવમાન ખાતાએ ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ જારી કર્યા છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી 11 જિલ્લામાં હીટવેવની ચેતવણી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. રવિવારે 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું જ્યારે કંડલામાં સૌથી વધુ તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. કચ્છમાં પણ ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને હજુ તાપમાનનો પારો ઊંચે જશે તેવી સંભાવના વચ્ચે જનજીવનને અસર થઈ રહી છે.

આજે 11 જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજે કચ્છમાં હિટવેવનું રેડ એલર્ટ અપાવામાં આવ્યુ છે, જ્યારે પોરબંદર, મોરબી, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ, દીવ,બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમીનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આમ તો સમગ્ર દેશમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ સાથે પ્રદુષણ અને ગીચતાને લીધે શહેરોમાં અનુભવાતી ગરમી ઘણી વધારે હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમા શિક્ષણ વિભાગનો પરિપત્ર, હીટવેવના પગલે શાળાઓને આપી આ સુચનાઓ…

ભુજ 44 ડિગ્રી સાથે ધખધખ્યું

ભુજમાં ખૂબ જ આકરા તાપ અને ગરમ હવાને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીનું આ મોજું પાકિસ્તાનથી કચ્છ થઈને ગુજરાત તરફ આગળ વધશે. પાકિસ્તાનના સિંધ પ્રાંત સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો આંક કેટલાક સ્થળોએ ૪૯ ડિગ્રી સે.સુધી પહોંચ્યો છે અને ઉત્તર દિશાએથી આવતા પ્રતિ કલાકે ૧૩ કિલોમીટરની ઝડપ વાળા ગરમ પવનોની સંગાથે ગરમીનું આ મોજું કચ્છ થઇ ગુજરાત અને છેક રાજસ્થાન સુધી પહોંચી જશે જેની અસર અત્યારથી જ વર્તાવવી શરૂ થઇ ચુકી છે.

રાજસ્થાનના છોર અને જોધપુર ખાતે ૪૬ ડિગ્રી સે. જેટલું તાપમાન આજે નોંધાયું છે જયારે પાકિસ્તાનના નવાબશાહ શહેરની આસપાસ ૪૭ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન થઇ જતાં ગરમીએ જનજીવન પર વ્યાપક અસર કરી છે.જો હવે આવી ગરમી આગામી એક સપ્તાહમાં કચ્છ થઇ ગુજરાતમાં પ્રવેશ કરશે તો અત્યારસુધીના ગરમીના તમામ રેકર્ડ તૂટી જવાની સંભાવના હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે રવિવારે અમદાવાદમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ડીસામાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી, નલિયામાં 40 ડિગ્રી, ભુજમાં 44 ડિગ્રી, પોરબંદરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી, કેશોદમાં 42 ડિગ્રી, મહુવામાં 39 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક અઠવાડિયા વહેલા પારો 41 ને પાર પહોંચ્યો, હીટવેવની આગાહી…

સ્વાસ્થ્યનું રાખવું ધ્યાન

આ દરમિયાન ડોક્ટરો લૂથી બચવા જણાવી રહ્યા છે. જો જરૂરી ન હોય તો ઘરની બહાર નહીં નીકળવું અને નીકળવું પડે તો શરીરને કોટનના દુપટ્ટા કે ટોપીથી ઢાંકી નીકળવાની સલાહ આપી છે. ખૂબ જ પાણી પીવું, પ્રવાહી પદાર્થો ખાવા, બહારનું ખાવુંપીવું નહીં અને જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લેવી.

લૂ લાગવાના લક્ષણો

માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી
શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, વધુ તાવ આવવો, ગરમ અને સૂકી ત્વચા, નાડીના ધબકારા વધવા, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું
સુધ-બુધ ગુમાવી દેવી, અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી હોઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button