
અમદાવાદઃ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. મોટાભાગના જીલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું હતું. રાજ્યનાં 13 જીલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં હજુ પણ તાપમાન ઊંચકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
તાપમાન ઊંચકાવાની આગાહી
ગુજરાતમાં હજુ પણ તાપમાન ઊંચકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પશ્ચિમના સુકા પવનો ફૂંકાતા ગરમીમાં વધારો થશે. આગામી પાંચ દિવસ 40થી 45 ડિગ્રી તાપમાન રહેશે. 25મી એપ્રિલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં મહત્તમ તાપમાન પણ 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી 3 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.
ક્યા કેટલું તાપમાન પહોચ્યું
રાજ્યનાં 13 જીલ્લાઓમાં અમદાવાદમાં 42.7, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 42.8, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી, સુરતમાં 40.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 43.3 ડિગ્રી, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.9 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતાં ભીષણ ગરમીથી રાહત મેળવવા લોકો વિવિધ ઈલાજ કરતા જોવા મળ્યાં હતા.
ગરમીથી બચવા શું કરવું અને શું ના કરવું
ગરમીથી બચવા ACમાંથી બહાર નીકળ્યા બાદ સીધા સીધા સૂર્યપ્રકાશમાં ન જાવ. જો તમે એસી રૂમમાંથી બહાર નીકળી સીધા ગરમ વિસ્તારમાં જાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જ્યારે પણ તમારે ગરમીમાં ACમાંથી બહાર નીકળવું પડે, ત્યારે પહેલા તેને બંધ કરો અને જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ એસી રૂમમાંથી બહાર આવો.
તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરો. જો તમને તરસ લાગી રહી હોય, તો તડકામાંથી આવ્યા પછી હંમેશા સાદું પાણી અથવા માટલાનું પાણી પીવો. શરીર ઠંડુ થઈ જાય ત્યારે ઠંડુ પાણી પીવો.
ગરમીથી બચવા માટે, બપોરના તડકામાં બહાર ન જવાનો પ્રયાસ કરો. જો તમારે તડકામાં બહાર જવું પડે, તો તમારા માથાને સુતરાઉ કાપડથી ઢાંકો અને હળવા રંગના આરામદાયક કપડાં પહેરો.
આ પણ વાંચો…આજથી ફરી ધોમધખતા તાપ માટે તૈયાર રહોઃ તાપમાનનો પારો ઊંચે જશે