અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાતા ઈમરજન્સી કેસમાં થયો 30 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રી પહોંચી ગયું હતું. અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો હતો. અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરી હતી. ગરમીના કારણે અમદાવાદમાં હીટ ઈમરજન્સીના કેસમાં પણ વધારો થયો છે.

source: IMD

ગુજરાત ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ – 108 ના આંકડા મુજબ, રાજ્યમાં આ મહિનામાં 449 ઈમરજન્સી કેસ નોંધાયા હતા, ગત વર્ષે આ સમયગાળામાં 342 કેસ નોંધાયા હતા. આ વર્ષે દરરોજ સરેરાશ 17 કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે 13 હતી. ઈમરજન્સીમાં હાઈ ફિવરના સૌથી વધુ 379 કેસ નોંધાયા હતા. જે બાદ વોમિટિંગ અને ડાયરેયિાના 23 કેસ નોંધાયા હતા. ગત વર્ષે આ સમયગાળામાં હાઈ ફિવરના 309 અને વોમિટિંગ તથા ડાયેરિયાના 13 કેસ નોંધાયા હતા. ઉપરાંત આ વર્ષે એપ્રિલમાં હીટ સંબંધી માંદગીના 18 કેસ નોંધાયા હતા, જ્યારે ગત વર્ષે કોઈ કેસ નોંધાયા નહોતા.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ ઉનાળાનો સત્તાવાર પ્રથમ મહિનો છે. આ મહિને તાપમાનમાં ઘણો વધારો થયો છે. જ્યારે તમારી બોડી અચાનક બદલાયેલા વાતાવરણને સ્વીકારવાની ના પાડે ત્યારે લોકોના બીમાર પડવાનું પ્રમાણ વધે છે. ઉનાળામાં ગરમી સંબંધિત સમસ્યાથી બચવા માટે 11 થી 5 દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું પડે તેમ હોય તો છત્રી, ટોપી પહેરવા જોઈએ. તેનાથી ગરમીના સીધા પ્રભાવથી બચી શકાશે.

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

  • પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું.
  • નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
  • ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
  • ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
  • ઉપવાસ કરવાનું ટાળવું
  • મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
  • ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
  • સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
  • હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
  • બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
  • બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
  • હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
  • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
  • બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
  • લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
  • ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
  • ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના કે હીટવેવના લક્ષણો

  • માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
  • શરીરનું તાપમાન વધી જવું
  • ખૂબ તરસ લાગવી
  • શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
  • વધુ તાવ આવવો
  • ગરમ અને સૂકી ત્વચા
  • નાડીના ધબકારા વધવા
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા
  • ચકકર આવવા, આંખે અંધારા આવવા
  • બેભાન થઈ જવું
  • સુધ-બુધ ગુમાવી દેવી
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
  • હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.

આ પણ વાંચો…ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો, હજુ બે દિવસ હીટવેવની આગાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button