Top Newsઅમદાવાદ

આખરે આસારામના આશ્રમ પર ચાલશે ‘બુલડોઝર’: હાઈ કોર્ટે સરકારને મંજૂરી આપી

45,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવાશે, 30થી વધુ ગેરકાયદે બાંધકામ તોડાશે

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં ડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થયો છે, જે અંતર્ગત ગેરકાયદે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. મોટેરામાં આસારામના આશ્રમની 45 હજાર ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવા હાઈ કોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી હતી. જે અંતર્ગત આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. આ જમીનની બજાર કિંમત આશરે 500 કરોડ જેટલી છે.

ગુજરાત હાઈ કોર્ટના આદેશ બાદ મોટેરા આશ્રમ પર કરવામાં આવેલા 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. એક તપાસમાં ખુલ્યું છે કે સરકારી જમીન પર કોઈ મંજૂર પ્લાન વગર આશ્રમ દ્વારા અનેક માળખાં ઊભા કરવામાં આવ્યા હતા, જેને કાયદેસર સાબિત કરી શકાય તેમ નથી. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે વર્ષો પૂર્વે આસારામને મર્યાદિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શરતી જમીન ફાળવી હતી. જમીન ફાળવણીમાં કોઈ વ્યાવસાયિક ઉપયોગ અને ગેરકાયદે બાંધકામ નહીં થવું જોઈએ, પણ સમયાંતરે શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે તંત્રએ આશ્રમને છ મહિના અગાઉ નોટિસ ફટકારી હતી. તેના જવાબમાં આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવા ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ સત્તાધિકારીઓએ તે અરજી નામંજૂર કરી દીધી હતી. જે બાદ તેને તોડવાનો માર્ગ મોકળો થયો હતો.

આ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં મોટા વિકાસકાર્યો માટે કરવામાં આવશે. સરકારની યોજના મુજબ કોમનવેલ્થ 2030 પહેલા આ સ્થળ પર ઇન્ટરનેશલ લેવલનું એક મોડર્ન સ્ટાઈલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ભાગ બનશે. જેનાથી શહેરની રમતગમત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

કોણ છે આસારામ?
આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો હતો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું હતું. આસારામનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું.

બાળપણમાં મજબૂત યાદશકિતથી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી.પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી હતી.

શરુઆતના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત લોકો સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી હતી.

એક રિપોર્ટ પ્રમાણે 1972થી આજ સુધી આસારામના 400થી પણ વધુ આશ્રમ દેશ – વિદેશમાં છે. એવું મનાય છે કે આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયી હશે.

આપણ વાંચો:  સાવરકુંડલામાં સંબંધો લજવાયા, માનસિક અસ્થિર યુવતી પર કુટુંબી ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button