કોંગ્રેસનો ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ! હર્ષ સંઘવીનો મોટો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની વિસ્તારમાં મેગો ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. આ ડિમોલિશન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્યાના પોલીસવડા વિકાસ સહાય પણ ચંડોળા પહોંચ્યા હતાં. આ દરમિયાન રાજ્ય ગૃહ પ્રધાન દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પણ આકરા વાક્ પ્રહારો કર્યાં છે.
કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવતી અરજી હાઈકોર્ટે ફગાવીઃ હર્ષ સંઘવી
ચંડોળામાં ચાલી રહેલ ડિમોલિશનની કામગીરીને અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ રહ્યો. કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવતી અરજી હાઈકોર્ટે ફગાવી છે.’ નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ડિમોલિશન અટકાવવાની અરજીને ફગાવી દીધી હતી. હર્ષ સંઘવી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ અરજી કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકો દ્વારા કરવામાં આવી હતી. જેથી હર્ષ સંઘવીએ કહ્યું કે, બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે.
ત્રણ હજારથી વધારે કાચા-પાકા મકાન તોડી પાડવામાં આવ્યાં
મેગા ડિમોલિશનની વાત કરવામાં આવે તો, 70થી વધારે જેસીબી, 200થી વધારે ટ્રકો, 2000થી વધારે પોલીસ કર્મચારી અને 1500થી વધારે એએમસીના કર્મચારીઓને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોશિલનની કાર્યવાહી દરમિયાન ચંડોળા તળાવ આસપાસના ત્રણ હજારથી વધારે કાચા-પાકા મકાન તોડી પાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ પોલીસના જણાવ્યાં પ્રમાણે હજી પણ આ કાર્યવાહી યથાવત રહેશે. કારણે કે, હજી ડિમોલિશનનું માત્ર પહેલા ભાગનું કામ થયું છે.