ભારતી આશ્રમ વિવાદ: હરીહરાનંદ ભારતીએ ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમથી કર્યા દૂર
સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારીને લઈને પ્રશ્નો ઊભા થયા બાદ હવે જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા પોતાના સમર્થકો સાથે મંદિરમાં પ્રવેશ કરીને સરખેજ આશ્રમનો કબજો મેળવી લેવામાં આવ્યો છે. આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે.
આજે હરિહરાનંદ ભારતીજી મહારાજે આશ્રમના બંને સંતોને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે. જેમાં રવજી ભગત ઉર્ફે ઋષિભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી દૂર કરી દેવામાં આવ્યાં છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં.
આ પણ વાંચો: સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારી તરીકે કોણ તેને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. આ દરમિયાન હવે જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો મેળવી લેવામાં આવ્યો છે. તેમણે પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
જો કે ત્યારબાદ આ મામલે બંને સાધુઓએ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા હતા. હરિહરાનંદ બાપુએ કહ્યું હતું કે ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય તરીકે ચારે આશ્રમોની જવાબદારી મને સોંપી હતી. બાપુની ઇચ્છા હતી કે આશ્રમની જવાબદારીઓ તેમના શિષ્યને સોંપાય જ્યારે ભારતી બાપુ ઋષિ ભારતીના દાદાગુરૂ થાય તો કઈ રીતે જવાબદારી સંભાળી શકે.
આ વિવાદ મુદ્દે ઋષિ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે આરોપ મૂક્યો છે કે આશ્રમના ટ્રસ્ટીઓ અને હરીહરાનંદ મને દબાવે છે અને ધમકીઓ આપે છે. જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના આદેશને હું માન્ય રાખીશ. કોર્ટ તેની તરફેણમાં આવશે તો પણ હું સહર્ષ સ્વીકારીશ. તેમણે હરિહરાનંદ બાપુ પર આરોપ કરતાં કહ્યું હતું કે અગાઉ વિવાદને લઈને થયેલા સમાધાન બાદ પણ તેમણે રંગ પણ બદલ્યા હતા.