અમદાવાદઆપણું ગુજરાત

સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ

સરખેજ: અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમ વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. અહી વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમના ઉતરાધિકારી તરીકે કોણ તેને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.

આ દરમિયાન હવે જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો મેળવ્યો છે. તેમણે પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

વિશ્વંભર ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજ સ્થિત ભારતી આશ્રમના સંચાલનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ આશ્રમનું સંચાલન તેમના સેવક ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતું હતું અને તેમણે આ આશ્રમ પર કબજો જમાવ્યો હોવાના આરોપો થતાં હતા. જેને લઈને આજદિન સુધી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં હવે ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ ભારતીએ સરખેજ આશ્રમનો કબજો મેળવ્યો છે.

હરિહરાનંદ બાપુએ આ મામલે જણાવ્યું હતું કે ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય તરીકે ચારે આશ્રમોની જવાબદારી મને સોંપી હતી. બાપુની ઇચ્છા હતી કે આશ્રમની જવાબદારીઓ તેમના શિષ્યને સોંપાય જ્યારે ભારતી બાપુ ઋષિભારતીના દાદાગુરૂ થાય.

આ પણ વાંચો: ૧૮ મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસે ભારતીય સંગ્રહાલયોની સ્થિતિ અને ભાવિ યોજનાઓ

તેમની પાસે રજીસ્ટર અને વસિયતનામાં છે તે પણ ખોટા છે અને સત્તાવાર રીતે આશ્રમનો કબજો મારી પાસે છે. આશ્રમનો કબજો ઋષિભારતી પાસે હતો ત્યારે આશ્રમનો હિસાબ નથી થયો અને મંદિર ટ્રસ્ટને નુકસાન પહોંચાડ્યું છે.

જો કે આ વિવાદની વચ્ચે ઋષિ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે આરોપ મૂક્યો છે કે આશ્રમના ટ્રસ્ટીઓ અને હરીહરાનંદ મને દબાવે છે અને ધમકીઓ આપે છે.

જો તેઓ કહેતા હોય તો જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના આદેશને હું માન્ય રાખીશ. કોર્ટ તેની તરફેણમાં આવશે તો પણ હું સહર્ષ સ્વીકારીશ. તેમણે હરિહરાનંદ બાપુ પર આરોપ કરતાં કહ્યું હતું કે અગાઉ વિવાદને લઈને થયેલા સમાધાન બાદ પણ તેમણે રંગ પણ બદલ્યા હતા.

તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે બાપુએ 2010માં જ મને સરખેજ આશ્રમનું સંચાલન મને સોંપ્યું હતું અને બાપુના બ્રહ્મલીન થયા બાદ હરિહરાનંદ બાપુ માનસિક ત્રાસ આપતા હતા. ગઇકાલે પણ જે કરવામાં આવ્યું તેનાથી હું દુખી છું, તેમના આ કૃત્યથી ભારતી બાપુની ઉજ્જવળ પરંપરા કલંકિત કરી રહ્યા છે. સાથે જ તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે નર્મદા ખાતે આવેલા ભારતી આશ્રમની માલિકી નર્મદા નિગમની છે અને ત્યાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button