ગુજરાતમાં આ જ્ઞાતિના ઉદ્યોગપતિએ સમાજના દરેક યુવાનને ભણાવવા 30 કરોડનું દાન આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ચૌધરી સમાજનો દરેક યુવાન શિક્ષિત થાય તે માટે ઉદ્યોગપતિએ રૂ. 30 કરોડનું દાન આપ્યું હતું. અખિલ આંજણા ચૌધરી સમાજના હરિભાઈ ચૌધરીએ શૂન્ય ટોલરન્સ શિક્ષણ નીતિની જાહેરાત કરી છે. જેમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયામંદ બાળકો માટે રૂ. 30 કરોડના દાનથી શિક્ષણ સહાયક ટ્રસ્ટ સ્થાપિત કર્યું છે.
આગામી એક વર્ષમાં 30 કરોડનું દાન માણસાના 54 ગામના ચૌધરી સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મદદ કરવામાં આવશે. હરિભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, માણસાના દરેક ચૌધરી સમાજનો દીકરો કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરે તેવું મારું સપનું છે. 30 કરોડના વ્યાજથી દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આજીવન અભ્યાસ કરી શકશે.
સમાજ દ્વારા 5 વર્ષમાં પ્રથમ વખત કોઈ સામાન્ય વ્યક્તિની ચાંદીથી તુલા કરવામાં આવી હતી. 84 કિલો ચાંદી એટલે કે રૂપિયા 2.28 કરોડની ચાંદી અર્પણ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાહિત્યકાર રઘુવીર ચૌધરી, અશોક ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.



