ડંકી રુટથી અમેરિકા જનારા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાનાં અભાવે મળ્યું મોત

અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશ જવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે, ત્યારે આ માટે લોકો અમુક જોખમો પણ ઉઠાવતા હોય છે. ફરીથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક યુવકનું ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પૂર્વે મૃત્યુ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દોઢેક મહિનાની સફર દરમિયાન દવાઓનાં અભાવે નિકારગુઆમાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાનાં મોયદ ગામનો વતની
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ગામના એક યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત નીપજ્યું હોવાનો અહેવાલ છે. ગુજરાતનાં દિલિપ પટેલ તેમની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે એજન્ટોની મદદ લીધી હતી અને તે માટે એજન્ટો દ્વારા ગોઠવણ કરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી
ડાયાબિટીસની દવાઓ ન મળતા મૃત્યુ
એજન્ટ દ્વારા કરવામાં આવેલી ગોઠવણ બાદ યુવક દિલીપ પટેલ તેમની પત્ની અને બાળકને લઈને ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે અમેરિકા પહોંચ્યો હતો. દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓ નહીં મળવાને કારણે યુવક કોમામાં જતો રહ્યો હતો અને બાદમાં તેને નિકારગુઆમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં જ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના અહેવાલો છે.
પત્ની અને બાળક બંને વિદેશમાં જ ફસાયા
જો કે એવા પણ અહેવાલો છે કે હજુ પણ યુવકની પત્ની અને બાળક બંને વિદેશમાં જ ફસાયા હોવાની વિગતો મળી રહી છે. એવી પણ વિગતો છે કે સપના પૂરા કરવા માટે યુવક જમીન વેંચીને ગયો હતો. હવે આ મામલે સરકાર દ્વારા કોઈકાર્યવાહી કરવામાં આવે અને પત્ની અને પુત્ર બંને પરત ફરે તેવી આશાએ પરિવાર બેઠો છે.