
અમદાવાદ : ગુજરાતમાં સતત ગરમીના પ્રમાણ વધી રહ્યું છે. તેમજ વધતી ગરમીના લીધે લોકો ત્રસ્ત થયા છે. રાજ્યમાં સોમવારે તાપમાન 46 ડિગ્રી પહોંચી ગયું હતું. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરી હતી.
રાજકોટમાં 46. 2 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી વટાવી ગયું હતું. ગુજરાતમાં 32.5 ડિગ્રીથી લઈને 46.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં 46. 2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 32.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં મહત્તમ તાપમાન 35.2 રહ્યું હતું.
અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન
અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો હતો. અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં બપોરના સમયે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા. ગરમ પવનોના કારણે રસ્તા ઉપર લોકોની અવરજવર ઘટી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી હતી. બે દિવસ આ વિસ્તારોમાં હીટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને મોરબીમાં હીટવેવની અસર વર્તાશે.
આ પણ વાંચો…ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી