
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બેક દિવસોમાં અગાઉ પડેલી આકરી ઠંડીની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે, જો કે રાજયના અમુક સ્થળોએ ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો ગગડતા આકરી ટાઢ અનુભવાઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.
પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો, પરંતુ તે સામાન્ય કરતાં નીચુંથી લઈને નોંધપાત્ર રીતે નીચું રહ્યું હતું, જેના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, દાહોદમાં ૧૧.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઉત્તર તરફના પવનોની અસરને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ન્યૂનતમ તાપમાન 16.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં દાહોદમાં ન્યૂનતમ તાપમાનનો પારો સૌથી નીચે ગગડીને 16.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ, કંડલા એરપોર્ટમાં 13 ડિગ્રી સેલ્સિયસ, વડોદરા, રાજકોટ અને ડીસામાં 14 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર અને કેશોદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ, પોરબંદર અને ભુજમાં 16 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું.
જો કે વહેલી સવારે અને મોડી રાતે ઠંડી અનુભવાય છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં વધારે નોંધાયું હતું.
રાજકોટ અને વેરાવળમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભુજ, સુરત અને ડીસામાં 32 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ, કેશોદ, દીવ, દ્વારકા, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગરમાં 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…ગુલાબી ઠંડીનો ચમકારો! દાહોદ બન્યું રાજ્યનું સૌથી ઠંડું શહેર, આ શહેરોમાં પારો ગગડ્યો



