
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો આરંભ થઈ ગયો છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બની શકે છે. હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું તેમ જ ગુજરાતમાં હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી હતી. ગુજરાતનાં ત્રણ શહેરોમાં તાપમાનનો પારો 40 સેલ્સિયસ ડિગ્રીને પાર પણ થઈ શકે છે.
રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર
ગુજરાતમાં ફાગણ મહિનાની શરૂઆતમાં જ આકરી ગરમીની અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે હોળી બાદ જ આકરી ગરમીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે અત્યારથી જ તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં ત્રણ શહેરોમાં તાપમાનનો આંક 40 સેલ્સિયસ ડિગ્રીથી લઈને વધુ જોવા મળ્યું છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 41.1 સે. સુધી પહોંચી ગયો હતો. જ્યારે ભુજ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો અનુક્રમે 40.5 અને 40.4 નોંધાયો હતો.
આગામી 48 કલાક સુધી આકરી ગરમી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક સુધી આકરી ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આકરી ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
આપણ વાંચો: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો; આવતીકાલથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હીટવેવની શક્યતા…
12 માર્ચ સુધી હીટવેવની અસર રહેશે
જોકે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે અમદાવાદ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સ્થળોએ પારો 40 ને પાર કરશે. આ વિસ્તારમાં 12 માર્ચ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે.