ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ
પેટાઃ જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. આજે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં આજે સવારે 6 થી સાંજના 6 એમ 12 કલાકમાં સુબીરમાં 3.54 ઈંચ, વાલોડમાં 3.23 ઈંચ, ડોલવાણમાં 2.91 ઈંચ, મહુવા(સુરત)માં 2.56 ઈંચ, વ્યારામાં 1.42 ઈંચ, સોનગઢમાં 1.38 ઈંચ, બારડોલીમાં 1.26 ઈંચ, ડાંગ આહવામાં 1.18 ઈંચ, ઉચ્છલમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આપણ વાંચો: મેઘરાજાના આગમનથી કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, શ્રાવણી મેળાઓની રંગત જામશે…
રાજ્યમાં બે તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, બે તાલુકામાં બે ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. પાંચ તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 92 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી પડી રહેલા સારા વરસાદને લઈ અત્યાર સુધીમાં 15 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 38 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 51 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમમાં 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 21 ડેમ હાઈ એલર્ટ પર છે. 13 એલર્ટ અને 19 વોર્નિંગ પર છે.
આપણ વાંચો: ખુશખબર! કચ્છમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, હમીરસર તળાવમાં નવા નીર!
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 34.74 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 32.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 25.84 ટકા, પૂર્વ મધ્યમાં 36.46 ટકા, સૌરાષ્ટ્રમાં 35.24 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 37.91 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.