ગુજરાતમાં જળ સંકટ ટાળવા સરકાર સક્રિય: 15,720 ગામ અને 251 શહેરને દૈનિક 320 કરોડ લીટર પાણી પહોંચાડ્યું

અમદાવાદ: આકરા ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાના પાણીની અછત ન વર્તાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યું છે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગે રાજ્યવ્યાપી જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી છે. રાજ્યભરમાં પથરાયેલી 3,250 કિલોમીટર લાંબી બલ્ક પાઇપલાઇન અને 1.20 લાખ કિલોમીટરથી વધુની વિતરણ પાઇપલાઇન મારફતે, ગુજરાતના 15,720 થી વધુ ગામો અને 251 શહેરી વિસ્તારોમાં દૈનિક 320 કરોડ લીટર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજ્યના કુલ 18,152 ગામોમાંથી 15,720 ગામોને 372 જુથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા સપાટી પરના જળ સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીના 2,432 ગામોને સ્થાનિક સ્ત્રોતો પર આધારિત વ્યક્તિગત યોજનાઓ દ્વારા પાણી મળે છે. બાકી રહેલા ગામોને પણ જુથ યોજના હેઠળ આવરી લેવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
74 ડેમમાંથી પાણીનો જથ્થો અનામત
પીવાના પાણીની વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યના 74 ડેમમાંથી પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, જેમાંથી જરૂરિયાત મુજબ પાણી ઉપાડીને શુદ્ધિકરણ બાદ ગામો સુધી પહોંચાડવામાં આવે છે. લીકેજ કે પંપિંગ મશીનરીના પ્રશ્નો ઉભા થાય ત્યારે, ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે અને પશુઓની જરૂરિયાત પૂરી કરવા માટે અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા પણ પાણીનો પૂરવઠો પહોંચાડવામાં આવે છે.
ટોલ ફ્રી નંબર પર પીવાના પાણીને લગતી ફરિયાદો નોંધાઈ
પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિવારણ માટે “ગ્રીવન્સ રીડ્રેસલ સિસ્ટમ” કાર્યરત છે. ગાંધીનગર ખાતે 24×7 કાર્યરત કંટ્રોલ રૂમમાં 1916 ટોલ ફ્રી નંબર પર પીવાના પાણીને લગતી તમામ ફરિયાદો નોંધવામાં આવે છે. વધુમાં, પાણી પુરવઠા બોર્ડની મુખ્ય કચેરી ખાતે “જલસંપર્ક” નામનું પ્રોએક્ટિવ કોલસેન્ટર પણ કાર્યરત છે. આ કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 52,000 થી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે, અને તેમાંથી 99.50% લોકોનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
ગ્રામ્ય કક્ષાએ પાઇપલાઇન લીકેજ સહિતની મરામત અને નિભાવણી સુચારુરૂપે થાય તે માટે 13,700 ઓપરેટરો, સરપંચો અને રિસોર્સ પર્સન (સંસાધન વ્યક્તિ) ને તાલીમ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને પણ પીવાના પાણીની સ્થિતિ અને ફરિયાદોની નિયમિત સમીક્ષા કરવા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની નિયમિત બેઠકો યોજવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો…કાબૂલથી પાકિસ્તાનને નવો ઝટકો: ભારતની જળ યોજનાઓથી પાકિસ્તાનમાં જળ સંકટ વકરશે?